અમદાવાદ : શેર સોદાગરના ફ્લેટમાંથી મળ્યો સોનાનો ખજાનો, બંધ ફલેટમાંથી 95.5 કિલો સોનું અને 70 લાખની રોકડ મળી
ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૧૦૪ ઉપર દરોડો પાડી શેર ‘સોદાગર’ના ફ્લેટમાંથી ૧૦૦ કરોડથી વધુનો ‘ખજાનો’ કબજે કર્યો હતો. આ કાર્યવાહી હજુ પણ ચાલી રહી હોય બેનંબરી જથ્થામાં વધારો થવાની શક્યતા નકારી શકાતી નથી. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આ ફ્લેટ મુળ મુંબઈના મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહના નામે નોંધાયેલો છે અને મેઘ શાહ દ્વારા જ આ જથ્થો ફ્લેટમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો.
એટીએસ અને ડીઆરઆઈને ફ્લેટમાંથી ૯૫ કિલોથી વધુ સોનું અને ૭૦ લાખની રોકડ હાથ લાગી હતી. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈને બાતમી મળી હતી કે ઉપરોક્ત ફ્લેટમાં મોટાપાયે સોનું અને રોકડ છુપાવવામાં આવી છે જેના આધારે સોમવારે બપોરે જ ફ્લેટ નં.૧૦૪ ઉપર દરોડો પાડવામાં આવતાં ફ્લેટની અંદર રહેલો સોનાનો જથ્થો અને રોકડ જોઈને અધિકારીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા.
તપાસ બાદ એવો પણ ખુલાસો થયો હતો કે જેનો આ જથ્થો છે તે મેઘ શાહ ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેના દ્વારા જ કાળા નાણાંની કમાણી કર્યા બાદ તેને સોનામાં તબદીલ કરી નાખવામાં આવ્યું હતું. એકંદરે જે પ્રમાણે તપાસ ચાલી રહી છે તેને જોતાં સોનાનું વજન હજુ પણ વધી શકે છે મતલબ કે વધુ માત્રામાં સોનું પકડાઈ શકે છે.આ કાર્યવાહી સાથે જોડાયેલા સૂત્રોએ એવો દાવો પણ કર્યો હતો કે આ દરોડા બાદ ગેરકાયદેસર હવાલાના વ્યવહારો પણ સામે આવી શકે છે.
નોટ ગણવા માટે મશીન મંગાવવા પડ્યાઃ અધિકારીઓ હાંફી ગયા !!
આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૧૦૪માં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ દરોડો પાડયા બાદ જંગી માત્રામાં સોનું અને રોકડ મળી આવતાં તાત્કાલિક નોટ ગણવાના મશીન મંગાવવામાં આવ્યા હતા. બીજી બાજુ સોના સહિતની ગણતરી કરતાં કરતાં ખુદ અધિકારીઓ પણ હાંફી ગયાનું સામે આવ્યું હતું. આ ફ્લેટમાં કેટલા સમયથી જથ્થો છુપાવાયેલો હતો, તેની કમાણી કઈ રીતે કરવામાં આવી હતી તે સહિતના મુદ્દે ટૂંક સમયમાં જ મોટા ધડાકા-ભડાકા થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
કોણ છે મેઘ શાહ ?
પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે જેના ફ્લેટમાંથી આ જથ્થો મળ્યો છે તે મેઘ શાહ શેરબજારનું ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચલાવી રહ્યો છે. મેઘ અને તેના સાગરિતો દ્વારા શેલ મતલબ કે બનાવટી કંપનીઓ ઉભી કરી એ કંપનીના શેરમાં કૃત્રિમ ઉછાળો લાવી કાળી કમાણી કરવામાં આવી રહી હતી. આ કાળી કમાણી બાદમાં આ લોકો સોનામાં ફેરવી નાખતા હતા જે જથ્થો આખરે એટીએસ અને ડીઆરઆઈએ પકડી પાડયો હતો.