પાકિસ્તાની તરુણ માટે બજરંગી ભાઈજાન બન્યું તંત્ર
પોરબંદરના નવી બંદરે ભારતીય જળસીમામાં માછીમારી કરવા બદલ તરુણ આવ્યો હતો કાયદાના સંઘર્ષમાં
રાજકોટના સ્પેશિયલ હોમ ફોર બોયઝમાં અઢી વર્ષથી વધુ સમય રહી તરુણ યોગમાં નિપુણ બન્યો, અન્યોને પણ યોગ શીખવ્યા
બૉલીવુડ સુપર સ્ટાર સલમાનખાનની સુપર હિટ ફિલ્મ બજરંગી ભાઈજાન જેવી જ એક સત્ય ઘટનામાં પોરબંદર અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્રએ ભારતીય જળસીમામાં ઘુષણખોરી બદલ કાયદાના સંઘર્ષમાં આવેલ તરુણને બાળ સુધારગૃહમાં મોકલી આપ્યા બાદ અંદાજે અઢી વર્ષ સુધી ભારતમાં રાખવામાં આવ્યા બાદ માનવીય અભિગમ અપનાવી આ બાળકને આ સમયગાળામાં ભણાવી, ગણાવી યોગ શીખવવાની સાથે તાજેતરમાં ભારત-પાકિસ્તાનની અટારી બોર્ડર ખાતેથી તેના વતન પાકિસ્તાન ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટના બાળ સુધારગૃહમાં આત્મીયતા કેળવનાર આ બાળકની વિદાય વેળાએ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

બાળ કિશોર માટે ફિલ્મ બજરંગી ભાઈજાન જેવી આ સત્ય ઘટનામાં 12 જાન્યુઆરી 2022ના રોજ ભારતીય જળસીમામાં માછીમારી કરવા સબબ પોરબંદરના નવી બંદર મરીન પોલીસ મથકની ટીમે પાકિસ્તાનના વતની કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહિતના માછીમારોને પકડી પડી મેરિટાઇમ ઝોન્સ ઓફ ઇન્ડિયા એક્ટ -1981 મુજબ ગુન્હો દાખલ કરતા આ તરુણને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ પોરબંદર દ્વારા ન્યાયિક કસ્ટડીમાં સ્પેશિયલ હોમ ફોર બોયઝ રાજકોટ ખાતે મોકલી આપવા હુકમ કરી સમયગાળો પૂર્ણ થયા બાદ તેના વતન પાકિસ્તાન ખાતે ડિપોર્ટ કરવા હુકમ કરવામાં આવ્યો હતો, જો કે, કોઈપણ કારણોસર આ બાળકને પાકિસ્તાન બોર્ડર ખાતે મોકલવામાં આવ્યા બાદ ફરી રાજકોટ ખાતે સ્પેશિયલ હોમ ફોર બોયઝ ખાતે રાખવામાં આવ્યો હતો.
દરમિયાન રાજકોટ ખાતે સ્પેશિયલ હોમ ફોર બોયઝ ખાતે રાખવામાં આવેલ આ પાકિસ્તાની બાળકનું ભણતર ન બગડે તે મેઈ વહીવટીતંત્ર દ્વારા તરુણને રસના ભણવાના વિષયો ભણાવવા પ્રયાસ કરવામાં આવતા આ તરુણ હિન્દી ઉપરાંત તેના વતનની ભાષા જાણતો હોય સંસ્થાના શિક્ષક પણ કાઉન્સિલર સાથે પરામર્શ કરી 2 વર્ષ અને 7 માસ સુધી બાળક સુધારગૃહમાં રહેતા ગુજરાતી અને અંગ્રેજી સહિતની ભાષાનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. બીજી તરફ ભણવામાં હોશિયાર આ પાકિસ્તાની બાળ તરુણ કડકડાટ ગુજરાતી ભાષા શીખી ગયેલ અને અંગ્રેજીમાં પોતાની સહી કરી શકે તેવો સમર્થ બની ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના બાળ સુધારગૃહમાં બે વર્ષ અને સાત મહિના સુધી આ પાકિસ્તાની બાળક રહ્યો તે દરમિયાન અહીં યોગ માટે સાત દિવસીય કાર્યક્રમ યોજવામાં આવતા તરુણ યોગમાં ખુબ જ રસ લેવાની સાથે યોગ શીખી જતા રાજકોટ સ્પેશિયલ હોમફોર બોયઝમાં રહ્યો ત્યાં સુધી તમામ બાળકોને સવારે વહેલા યોગ શીખવી યોગ શિક્ષકની ભૂમિકા પણ ભજવી હતી સાથે જ સંસ્થામાં યોજાતા નાના મોટા કાર્યક્રમ અને દૈનિક કાર્યોમાં પણ બાળક પારિવારિક સભ્ય બનીને મદદરૂપ થતો હોય તાજેતરમાં આ બાળકને માદરે વતન પાકિસ્તાન જવા માટે વિદાય આપવામાં આવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.પાકિસ્તાની બાળ તરુણ તેના માતાપિતાને મળી શકે તે માટે પોરબંદર પોલીસની સાથે રાજકોટ સમાજ કલ્યાણ વિભાગ, બાળ સુધાર ગૃહ, રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર, સીટી પ્રાંત અધિકારી સહિતના સંબંધિત વિભાગોએ માનવીય અભિગમ સાથે પ્રયાસો કરતા અંતે ગત તા.3 સપ્ટેમ્બરના રોજ આ બાળકને ભારત-પાકિસ્તાન બોર્ડર ખાતે માછીમારોની અરસ પરસ પોતાના દેશમાં મોકલી આપવાની કાર્યવાહીના ભાગરૂપે પોરબંદર એસઓજી પોલીસે કાર્યવાહી કરી હતી.