18 કરોડ આપો…રાજકોટનો ‘વિકાસ’ કરવો છે !! રસ્તાઓને ચકાચક કરવા, પાઈપ-ગટર સહિતના કામ માટે સરકાર પાસે ગ્રાન્ટ માંગશે મહાપાલિકા
ચૂંટણીનું વર્ષ હોય શહેરની લગભગ તમામ સોસાયટીને પેવિંગ બ્લોકથી મઢી દેવા, રસ્તાઓને ચકાચક કરવા, પાઈપ ગટર કરવા સહિતના કામ માટે સરકાર પાસે ગ્રાન્ટ માંગશે મહાપાલિકા
૨૬માંથી ૧૮ કરોડ સરકાર પાસેથી લેવા ઉપરાંત 1.68 કરોડ ધારાસભ્ય,3.57 કરોડ કોર્પોરેટર અને 2.65 કરોડ મહાપાલિકા આપશે
રાજકોટ મહાપાલિકાની આ વર્ષે ચૂંટણી યોજાવાની છે તે પહેલાં
વિકાસ’નો વરસાદ કરવા માટે શાસકો બને એટલા તમામ પ્રયાસો કરવામાં લાગી ગયા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે 563 કરોડથી વધુના વિકાસકામનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે હવે શહેરની અલગ-અલગ 100 થી વધુ સોસાયટીને પેવિંગ બ્લોકથી મઢી દેવા, અનેક રસ્તાઓને ચકાચક કરી દેવા, અલગ-અલગ વિસ્તાર કે જ્યાં પાઈપ ગટરની સુવિધા નથી ત્યાં સુવિધા ઉભી કરવા સહિતના વિકાસ' માટે મહાપાલિકા દ્વારા સરકાર પાસે 18 કરોડની ગ્રાન્ટ માંગવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંગેની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપશે. સૌ કોઈ જાણે છે કે ચૂંટણી નજીક આવે એટલે શાસકોને
વિકાસ’ અચૂકપણે યાદ આવી જાય છે એટલા માટે જ શહેરની લગભગ તમામ સોસાયટીઓને પેવિંગ બ્લોકથી મઢી દઈને ત્યાં રહેતાં લોકોને ખુશ' કરવાની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે.
આ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક રસ્તાઓ એવા છે જે રિપેરિંગ માંગતાં હોય તેના માટે પણ ગ્રાન્ટ માંગવામાં આવશે. મહાપાલિકા દ્વારા અલગ-અલગ વોર્ડ પ્રમાણે કામગીરીની એક યાદી તૈયાર કરવામાં આવી છે અને તેના આધારે ગ્રાન્ટ માંગવામાં આવશે. આ
વિકાસ’ માટે કુલ ૨૬ કરોડનો ખર્ચ થશે તેમાંથી ૧૮ કરોડ સરકાર પાસેથી મેળવવામાં આવશે. આ ઉપરાંત ૧.૬૮ કરોડનો ખર્ચ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, ૩.૫૭ કરોડનો ખર્ચ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અને ૨.૬૫ કરોડનો ખર્ચ મહાપાલિકા દ્વારા કરવામાં આવશે. આ અંગેની દરખાસ્ત મ્યુ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને કરવામાં આવી છે જેના ઉપર આજે નિર્ણય લેવાશે.