અંતે રાજ્યના આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાઈ
ત્રણ મહિનામાં સરકાર નિર્ણય નહીં લે તો ફરી આંદોલનના મંડાણ
છુટા કરાયેલ તમામ કર્મચારીઓને પુનઃ ફરજ ઉપર લેવાશે : સીસીસીની પરીક્ષા માટે એક વર્ષની મુદત
રાજકોટ : જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના વિવિધ કર્મચારીઓ દ્વારા 17 માર્ચથી મુખ્ય બે માંગણી સાથે ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા બાદ અંતે સરકાર સાથે સુખદ સમાધાન બેઠક બાદ આગામી ત્રણ મહિનામા સરકારે પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા રોગ કર્મચારીઓની હડતાળ સમેટાઈ ગઈ છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપતા સોમવારથી જ તમામ કર્મચારીઓ કામે લાગી ગયા હોવાનું પણ જાણવા મળે છે. મહત્વનું છે કે, હડતાલ ઉપર ગયેલા અનેક કર્મચારીઓને સીસીસીની પરીક્ષા પાસ ન કરી હોવાથી છુટા કરી દેવામાં આવ્યા હોય આ તમામ કર્મચારીઓને પુનઃ ફરજ ઉપર લેવા પણ આદેશ કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના 33 જિલ્લા પંચાયતના વર્ગ-3ના એપીએચડબ્લ્યુ, એફએચડબ્લ્યુ, એમપીએચએચ,એફએચએચ તેમજ સુપરવાઈઝર કેડરના તમામ કર્મચારીઓ ટેક્નિકલ ગ્રેડ પે આપવા સહિતની વિવિધ માંગણીને લઈ ગત તા.17 માર્ચથી અચોકક્સ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને ગાંધીનગર ખાતે સરકાર સામે મોરચો માંડયો હતો. દરમિયાન આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, સરકાર સાથે સુખદ સમાધાન થતા 33 જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને મુખ્ય કન્વીનરની સંયુક્ત કારોબારી મીટિંગમાં હડતાળને ત્રણ મહિના માટે સ્થગિત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળામાં સરકાર કર્મચારીઓની માંગણીઓ અંગે નિર્ણય લેશે.
વધુમાં આંદોલન દરમિયાન સરકારે એસ્મા લાગુ કરીને 2100થી વધુ કર્મચારીઓને છૂટા કરવાના હુકમો કર્યા હોય આ તમામ કર્મચારીઓને પુનઃ ફરજ ઉપર લેવા માટે પણ સરકારની સહમતી સધાઈ હોવાનું તેમજ સીસીસી બાકી હોય તેવા કર્મચારીઓને એક વર્ષની વધારાની મુદત આપવા પણ સરકાર સાથે નક્કી કરાયું હોવાનું બહાર આવ્યું છે. રણજીતસિંહ મોરીના જણાવ્યા અનુસાર, સરકાર એસ્મા હેઠળની કાર્યવાહીમાં હકારાત્મક અભિગમ અપનાવશે. ગ્રેડ પે અંગે પણ સરકાર વિચારણા કરવા તૈયાર છે. જો ત્રણ મહિનામાં સરકાર તરફથી માંગણીઓ અંગે કોઈ જી.આર., ઠરાવ કે નિકાલ નહીં આવે તો ફરી હડતાળ શરૂ કરવામાં આવશે. આ અંગે 33 જિલ્લાના પ્રતિનિધિઓ અને રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે.
બીજીતરફ અચોક્ક્સની મુદતની હડતાળમાં સરકાર સાથે સુખદ સમાધાન થતા જ આરોગ્ય કર્મચારી મહાસંઘે તમામ કર્મચારીઓને સોમવારથી ઓફિસ સમય દરમિયાન પોતાની કચેરીમાં ફરજિયાત હાજર થવા આદેશ આપ્યો છે. હાજરી રિપોર્ટ સંબંધિત અધિકારીઓને આપવાનો રહેશે. આ આદેશનું પાલન ન કરનાર કર્મચારીઓની જવાબદારી મહાસંઘ લેશે નહીં તેવું પણ અંતમાં સ્પષ્ટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય કર્મચારીઓની હડતાળને પગલે વેક્સિનેશન ઝુંબેશને અસર પહોંચવાની સાથે સગર્ભા માતાઓના આરોગ્યને લગતી બાબતોને પણ માઠી અસર પડી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.