લાંચિયા મારૂએ ઈશ્યુ કરેલા ૧૩૯ NOCની તપાસ કરવા સરકાર પાસે અધિકારી મંગાશે !
‘કાપ્યા' વગર એનઓસી આપ્યું જ ન હોવાની દૃઢ શંકા: મનપા પાસે આ મુદ્દે તપાસ કરી શકે તેવા
સક્ષમ’ અધિકારી ન હોવાથી સરકાર પાસે હાથ ફેલાવાશે
૨૫થી વધુ એનઓસી પેન્ડીંગ, દરરોજ ચારથી પાંચ અરજીઓ આવતી હોવાથી ફરી સરકાર પાસે ચીફ ફાયર ઓફિસરની કરાશે ઉઘરાણી'
'
બદનામ’ ફાયર-ટીપી વિભાગની ગાડી માંડ પાટે ચડી ત્યાં જ અનિલે ફરી લખણ ઝળકાવતાં હવે આખી કચેરી સામે લોકોને જઈ રહેલી શંકા
મહાપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને ફાયર એનઓસી ઈશ્યુ કરવાના બદલામાં ૧.૮૦ લાખની લેતાં એસીબીએ રંગે હાથ પકડી લીધા બાદ હાલ તે રિમાન્ડ ઉપર છે. બીજી બાજુ ૪૩ દિવસની અંદર અનિલે ૧૩૯ એનઓસી ઈશ્યુ કર્યા હોવાનું બહાર આવતાં હવે આ એનઓસીના બદલામાં અનિલે કોઈ પ્રકારની લાંચ લીધી છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવનાર છે. જો કે આ તપાસ કરવા માટે મહાપાલિકા પાસે કોઈ સક્ષમ અધિકારી ન હોવાથી હવે આ માટે સરકાર પાસે અધિકારી આપવા માંગણી કરવામાં આવનાર હોવાનું મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈએ જણાવ્યું હતું.
મ્યુ.કમિશનરે જણાવ્યું કે અનિલ મારૂએ ૧૩૯ એનઓસી ઈશ્યુ કર્યા છે જ્યારે ૨૫ જેટલા અત્યારે પેન્ડીંગ પડેલા છે. ઈશ્યુ થયેલા એનઓસી નાણાં લઈને આપવામાં આવ્યા છે કે કેમ તેની તપાસ થવી જરૂરી હોવાથી હવે સરકાર પાસે અધિકારી માંગીને તપાસ કરવામાં આવશે. સરકાર દ્વારા અધિકારી ફાળવાયા બાદ તે તપાસ કરશે અને જો કોઈ પ્રકારના પૈસા લઈને એનઓસી ઈશ્યુ કરાયું હશે તો તે એનઓસીને માન્ય ગણવામાં આવશે નહીં.
બીજી બાજુ એવી પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અનિલે લાંચ લીધા વગર એનઓસી ઈશ્યુ કર્યું જ ન હોઈ શકે એટલા માટે તમામ એનઓસીની તપાસ કરવી જરૂરી બની જાય છે. બીજી બાજુ પેન્ડીંગ એનઓસી ઉપરાંત દરરોજ ચારથી પાંચ આવી રહેલી અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે માટે સરકાર પાસે ચીફ ફાયર ઓફિસરની માંગણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ શાખા અને ફાયર વિભાગ બદનામ થઈ ગયો હતો. આ પછી કમિશનર દ્વારા અનેક ફેરફાર કરીને ગાડી પાટે ચડાવવામાં આવી હતી ત્યાં જ અનિલે લખણ ઝળકાવતાં ફરી આબરૂને મોટો બટ્ટો લાગ્યો છે અને હવે તો લોકો તમામ વિભાગને શંકાની નજરે જોવા લાગ્યા છે.