રાજકોટમાં આજે આન, બાન અને શાન સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી
લહેરા દો…લહેરા દો…
શાળા, કોલેજો અને સંસ્થાઓ દ્વારા અનેકવિધ આયોજન, મહાનગરપાલિકા દ્વારા અટલ
સરોવર ખાતે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૌધરી હાઇસ્કૂલ મેદાન ખાતે ધ્વજવંદન
દેશભરમાં આજે ૭૮મા સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ ખાતે પણ સ્વતંત્રતા દિવસ નિમિતે વિવિધ શાળા, કોલેજો અને સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા છે જે અન્વયે મહાનગર પાલિકા દ્વારા અટલ સરોવર ખાતે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૌધરી હાઈસ્કૂલ મેદાન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ રાજકોટમાં અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, સ્વતંત્રતા દિવસની પર્વ સંધ્યાએ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર નાના અને મોટી સાઈઝના તિરંગા ધ્વજ વેંચતા લોકો પાસેથી મોટાપ્રમાણમાં ખરીદી કરતા શહેરીજનો જોવા મળ્યા હતા, આજે રાજકોટ શહેરની વિવિધ શાળા, કોલેજો, સરકારી સંસ્થાઓ, વિવિધ સંસ્થાઓમાં આવતીકાલે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સ્પર્ધાના આયોજનો કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હરઘર તિરંગા અભિયાનમાં લોકો સ્વયંભૂ જોડાઈને રાષ્ટ્રભકિતનો સંદેશ આપી પોતાના ઘર ઉપર તિરંગો ધ્વજ લહેરાવી રહ્યા હોય શહેર-જિલ્લામાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.
દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અટલ સરોવર, સ્માર્ટ સિટી વિસ્તાર, નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ ધ્વજવંદન કાર્યક્રમમાં મેયરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ધ્વજવંદન બાદ મેયર પ્રજાજોગ ઉદબોધન કરશે. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક તથા દેશભક્તિસભર કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે નગરજનોને ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.