વાવડીમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાતા તંગદિલી
રેવન્યુ સર્વે નંબર 149ની ટીપી સ્કીમની જમીન ઉપર દબાણો ઉભા થઇ જતા કોર્પોરેશન-મામલતદારનું સંયુક્ત ઓપરેશન
રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 149ની ટીપી સ્કીમની જમીન ઉપર ઉભા થઇ ગયેલા દબાણો હટાવવા માટે મામલતદાર અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી 50 જેટલા મકાનો તોડી પાડવા કાર્યવાહી કરવામાં આવતા જ તંગદિલી સર્જાઈ હતી અને મામલો બિચકતા સીટી પ્રાંત-2 મદદનીશ કલેકટર મહેક જૈન પણ બનાવ સ્થળે દોડી ગયા હતા. બીજી તરફ દબાણો હટાવવામાં આવતા રજુઆત માટે લોકોના ટોળા જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાવડી રેવન્યુ સર્વે નંબર 149ની ટીપી સ્કીમની જમીન ઉપર દબાણો ઉભા થઇ જતા રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચના બાદ 50 જેટલા દબાણકર્તાઓને દબાણ-હટાવવા માટે નોટીસો ફટકારવામાં આવી હતી આમ છતાં પણ દબાણો નહીં હટાવાતા તાલુકા મામલતદાર, રૂડા તેમજ મહાનગર પાલિકાની ટીમોએ સંયુક્ત રીતે અંદાજે 25 કરોડની કિંમતની પાંચ હજાર ચોરસ મીટર જમીન ઉપરથી દબાણ હટાવવા માટે કાર્યવાહી શરૂ કરતા જ દબાણકર્તાઓ સાથે માથાકૂટ થઇ હતી. વધુમાં દબાણકારોએ વૈકલ્પિક જગ્યા ફાળવવા અથવા થોડો સમય આપવા માટે માંગણી કરતા મામલો બિચકતા મદદનીશ કલેકટર રાજકોટ પ્રાંત-2 અધિકારી મહેક જૈન ઘટના સ્થળે દોડી ગયા હતા.બાદમાં રજુઆત માટે લોકોના ટોળા કલેકટર કચેરીએ પણ દોડી ગયા હોવાનું જાણવા મળે છે.