સેવા સેતુના ૧૦મા તબક્કાનો રાજ સમઢીયાળા ખાતેથી પ્રારંભ
‘‘એક પેડ, માં કે નામ’’, ‘‘સ્વચ્છતા હી સેવા’’ તથા સેવા સેતુ સાથે ત્રિવિધ ક્રાયક્રમ યોજાયો
રાજકોટ : રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ તાલુકાના રાજ સમઢીયાળા ખાતે મંગળવારે જિલ્લા કક્ષાનો “એક પેડ માં કે નામ” કાર્યક્રમ, સ્વચ્છતા હી સેવા તેમજ સેવા સેતુના ૧૦માં તબક્કાનો શુભારંભ કરી ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ તકે આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે, જન્મથી મૃત્યુ દરમિયાન વૃક્ષ આપણા જીવનનો અગત્યનો ભાગ છે. વળી, કોરોના કાળે તો આપણને ઓક્સિજનની મહત્તા સમજાવી, જે ઓક્સિજન આપણને વૃક્ષો વિના મૂલ્યે આપે છે, આથી આ વૃક્ષોનું જતન કરવું એ આપણી નૈતિક જવાદારી છે.લોકોના કોઈપણ પ્રશ્નનો ઉકેલ ઘર આંગણે મળે, અનેક સેવાઓ તેમને ગામમાં જ મળે તે માટે સેવા સેતુનો આ ૧૦મો તબક્કાનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે રાજ સમઢીયાળા ખાતે યોજાયેલા આ ૩૯ ગામ માટેના સેવા સેતુ કાર્યક્રમનો સૌ લોકો લાભ લે, તેમ અપીલ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગ્વહાણેએ કહ્યું હતું કે, આજે રાજ સમઢીયાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા છે. સેવા સેતુના ૧૦માં તબક્કામાં ૧૩ વિભાગોની ૫૫ સેવાઓ અહીં ૩૯ ગામના નાગરિકોને એક જ સ્થળેથી મળી રહેશે. વહીવટીતંત્ર લોકોના ઘર સુધી પહોંચીને નાગરિકોને તમામ લાભ મળે તે સુનિશ્ચિત કરી રહ્યું છે સાથે જ સેવા-સ્વચ્છતા અને સમાજ માટે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે. સ્વચ્છતા એ માત્ર જરૂરિયાત જ નહી પણ ફરજીયાત હોવાનું જણાવ્યું હતું.
સેવા સેતુ કાર્યક્રમ ખાતે રાજસમઢિયાળા, ગઢકા, ડેરોઈ, લાખાપર, લોધીડા, કસ્તૂરબાધામ, કાળીપાટ, મહીકા, પાડાસણ, અણીયાળા, વડાળી, હલેન્ડા, ઉમરાળી, ડુંગરપુર, હોડથળી, સુકીસાજડીયાળી, નવાગામ (સર), સર, રામપરા (ચિત્રા) ચિત્રાવાવ, ભુપગઢ સહિતના ગામોના લોકોને સેવા આપવામાં આવી હતી.આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધી, ડી.આર.ડી.એના નિયામક એ.કે.વસ્તાણી, પ્રાંત અધિકારી મહેક જૈન, મામલતદાર કે.એચ.મકવાણા, તાલુકા વિકાસ અધિકારી વનરાજસિંહ ચૌહાણ, સરપંચ હરદેવસિંહ જાડેજા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.