સાંઢિયા પુલનું લોકાર્પણ થતાં ST મુસાફરોને ફાયદો
બસના ભાડામાં રૂા.3 થી 16નો ઘટાડો
રાજકોટથી મોરબી, ભુજ અને જામનગર-દ્વારકા રૂટની બસના ભાડા ઘટ્યાઃ એસ.ટી. દ્વારા તાત્કાલિક પરિપત્ર બહાર પડાયો
રાજકોટ-જામનગર હાઈ-વે પર સાંઢીયા પુલનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરાયા બાદ એસ.ટી. તંત્રએ મુસાફરોને રાહત આપતા સમાચાર આપ્યા છે. સાંઢીયા પુલના કારણે દરરોજ ૪ થી ૫ કિલોમીટર ફરીને જતી જામનગર અને મોરબી, ભુજ રૂટની એસ.ટી. બસોનું અંતર ઘટી જતા વિભાગીય અધિકારીએ તાત્કાલીક અસરથી એસ.ટી. બસના ભાડામાં ૩ થી ૧૬ રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. જેનો પરિપત્ર બહાર પાડી સોમવારથી જ અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કોઈ પણ સિરપ નહી મળે
જામનગર, મોરબી, ભુજ, દ્વારકાને જોડતા સાંઢીયા પુલ પરથી દરરોજ એક લાખ વાહનો પસાર થતા હોય વાહન ચાલકોને હવે ટ્રાફિક સમસ્યા અને મોટા ધક્કામાંથી છુટકારો મળ્યો છે. સાંઢીયા પુલના કારણે રાજકોટથી મોરબી, ભુજ અને જામનગર-દ્વારકા તરફ જતી એસ. ટી. બસને લાંબુ ચક્કર કાપવુ પડતુ હતું જેમાંથી હવે છુટકારો મળ્યો છે જેનો સીધો ફાયદો હવે એસ.ટી. મુસાફરોને મળ્યો છે. સાંઢીયા પુલનું લોકાર્પણ થતા એસ.ટી. બસને ૪ થી ૫ કિલોમીટરનું અંતર ઘટી જતાં એસ.ટી.ના વિભાગીય અધિકારી રાચ્છે તાત્કાલીક અસરથી જામનગર, દ્વારકા, મોરબી અને ભુજ રૂટની એસ.ટી. બસના ભાડામાં રૂા. ૩ થી લઈને રૂા. ૧૬ સુધીનો ઘટાડો કર્યો છે. જે અંગેનો પરિપત્ર બહાર પાડી સોમવારથી જ અમલવારી શરૂ કરી દેવાઇ છે.
રાજકોટ શહેરથી મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા રૂટ પર આવાગમન કરનારા રોજીંદા હજારો મુસાફરોને ટિકિટના ભાવ ઘટતા લાભ મળશે. ટિકિટના ઘટેલા ભાવથી મુસાફરો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતાં કે, જ્યારે ચારે તરફ મહેંગાઈ માર ગઇ જેવો માહોલ છે ત્યારે મુસાફરોને આ રૂટ પર અચ્છે દિન જેવો અહેસાસ થાય.
રાજકોટથી મોરબી-ભુજ
| બસ લોકલ બસ | જુનુ ભાડું 59 | નવુ ભાડુ 56 | ઘટાડો 3 |
| એકસપ્રેસ | 105 | 102 | 3 |
| ગુર્જરનગરી | 119 | 114 | 5 |
| લકઝરી/સ્લીપર | 136 | 132 | 4 |
| વોલ્વો | 207 | 193 | 14 |
રાજકોટથી જામનગર-દ્વારકા
| બસ | જુનુ ભાડું | નવુ ભાડુ | ઘટાડો |
| લોકલ બસ | 72 | 69 | 3 |
| એકસપ્રેસ | 123 | 117 | 6 |
| ગુર્જરનગરી | 132 | 128 | 4 |
| લકઝરી/સ્લીપર | 165 | 160 | 5 |
| વોલ્વો | 267 | 251 | 16 |
