રાજકોટ સિવિલની બ્લડ બેંકમાં લોહીની અછત !!
- મહિને 650 થેલેસેમિયાના દર્દીઓ અને હાલ સ્ટોક માત્ર 350 બોટલ : થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે બ્લડ કેમ્પ કરવા છતાં પર હોસ્પિટલમાં લોહીનો સ્ટોક પૂરતો નહિ
- રાજકોટમાં બ્લડ કેમ્પ કરતી અનેક સંસ્થા પરતું હોસ્પિટલમાં બ્લડની બોટલો જમાં કરાવતી માત્ર 20 જ સંસ્થાઓ
વોઇસ ઓફ ડે રાજકોટ
રક્તદાન એ મહાન દાન છે… આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક આ વાક્ય સાંભળ્યું જ હશે. કારણ કે ઈમરજન્સીમાં લોહીના અભાવે જીવન-મરણ વચ્ચે જોલા ખાતો હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને લોહી આપવાથી તેનો જીવ બચાવી શકાય છે. ત્યારે આ રક્તની અછત હાલ પીડીયુ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં જોવા મળી રહી છે.અહી માત્ર 350 જેટલી બેગ સ્ટોકમાં હોવાનું સામે આવ્યું છે.જ્યારે બીજી બાજુ દર મહિને 650 થેલેસેમિયાના દર્દીઓને 800 બોટલ બ્લડ ચડાવવામાં આવે છે.જેથી હાલ બ્લડ બેંકમાં બ્લડની અછત ચાલી રહી છે.
રાજકોટ જિલ્લામાં 800થી વધુ થેલેસેમિયા પિડીત બાળકો છે. રાજકોટ સિવિલમાં રોજ આશરે 40થી 50 થેલેસેમિયાનાં દર્દીઓને લોહી ચડાવવા માટે આવે છે. નામ લખાવ્યા બાદ બે-ત્રણ દિવસનું વેઈટીંગ હોય છે. ખાસ કરીને નેગેટીવ બ્લડ ગ્રુપના લોહી મેળવવા સૌથી વધુ મુશ્કેલી ઉભી થતી હોય છે. થેલેસેમિયાનાં દર્દીઓની મદદ કરતી સામાજિક સંસ્થાઓ સોશ્યલ મીડિયા મારફત રકતદાતાઓને રકત આપવા અપીલ કરી કરતી હોય છે.
ત્યારે રાજકોટ સિવિલની બ્લડ બેન્કમાં પણ ભારણ વધી રહયુ છે. રાજકોટ જિલ્લામાંથી જ નહિ પરંતુ નજીકનાં જિલ્લાઓ અમરેલી, સુરેન્દ્રનગરથી પણ દર્દીઓ લોહી ચડાવવા માટે રાજકોટ આવી રહયા છે. થેલેસેમિયાનાં દર્દીઓ માટે સરકારે લોહી વિના મુલ્યે આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ તેને ચડાવવા માટેનું જોખમ લેવા કેટલીક ખાનગી હોસ્પિટલો તૈયાર ન હોવાથી આ કામગીરી બંધ કરી દીધી છે. શ્રાવણ મહિનાનાં તહેવારોને લઈને કેમ્પ ઘટી ગયા હોવાથી લોહીની અછત જોવા મળી છે. થેલેસેમિયાનાં દર્દીઓનાં લાભાર્થે કેમ્પ થાય છે પરંતુ આ દર્દીઓને જ લોહી સમયસર મળતુ ન હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યારે પીડીયુ બ્લડ બેન્કમાં 20થી વધુ સંસ્થાઓ દ્વારા કેમ્પ કરી અને સ્વૈચ્છિક દાતાઓ દ્વારા અહી આવી દાન કરાતા કુલ દર મહિને 2000 જેવી બ્લડની બોટલો એકઠી કરવામાં આવે છે.અને તેમાંથી જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવે છે. અને મહિને 650 થેલેસેમિયા દર્દીઓને તેની ઉંમર પ્રમાણે 800 બેગ બ્લડ આપવામાં આવે છે. અને હાલમાં લગભગ 350 જેટલી બ્લડ બેગ સ્ટોકમાં પડી છે.જેથી થેલેસેમિયા દર્દીઓને હાલાકી પડવાનું નક્કી છે. અને લોકો દ્વારા વધુ માત્રમાં બ્લડ ડોનેટ કરવામાં આવે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
હોસ્પિટલના તબીબો-મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તેમના જન્મદિવસ પર ફરજિયાત બ્લડ ડોનેટ કરે છે
જ્યારે વધુમાં જાણવા મળ્યું હતું.કે હોસ્પિટલના અલગ-અલગ વિભાગોના તબીબો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસ પર ફરજિયાત બ્લડ ડોનેટ કરી જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી બંને છે.ઉપરાંત અન્ય અધિકારીઓ દ્વારા પણ તેમના જન્મદિવસ પર હોસ્પિટલમાં આવી બ્લડ ડોનેટ કરવામાં આવે છે. જેથી બ્લડ બેન્કના સ્ટાફે અન્ય લોકને પણ તેમના જન્મદિવસ પર બ્લડ ડોનેટ કરવાની અપીલ કરી છે.
શ્રાવણ માસ અને તહેવારમાં બ્લડ ડોનેટ કરતાં લોકોનું પ્રમાણ ઓછું
હલ શ્રાવણ માસ ચાલતો હોવાથી ભક્તો દ્વારા વ્રત રાખીને શિવજીની આરાધના કરવામાં આવે છે.જેથી વ્રત હોવાથી લોકો ખોરાક રોજિંદાની માત્રામાં ઓછો ગ્રહણ કરતાં હોય છે. એટલે તેઓ આ માસમાં ઓછું રક્તદાન કરતાં હોય છે.ઉપરાંત શ્રાવણ માસમાં જન્માષ્ટમી સહીતના તહેવારો આવતા હોવાથી આ માસમાં ઓછા રક્તદાન કેમ્પ કરવામાં આવતા હોય છે.જેના કારણે આ માસમાં બ્લડ બેન્કોમાં લોહીની અછત સામે આવે છે.