સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 19 થી 25 દરમિયાન સાત દિવસીય સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કોચિંગ કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં મેયર ડૉ. નેહલભાઈ શુક્લા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરેશ રાબા, કેમ્પના કોઓર્ડિનેટર ડૉ. ભાવેશ રાબા, કાર્યક્રમ સંચાલક ડૉ. એમ. એસ. ચારણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: શિક્ષણ વ્યવસ્થા કથળતા વિદ્યાર્થીઓ હતાશામાં મોતનો માર્ગ અપનાવે છે ?
સમર કોચિંગ કેમ્પમાં વિવિધ 16 રમતોના 200થી વધુ ખેલાડી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ઉદ્ઘાટન પ્રસંગે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે ખેલાડીઓની પ્રતિભાને વધુ નીખારવા, તેમને ઉચ્ચ કક્ષાની તાલીમ પૂરી પાડવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા પ્રાપ્ત કરાવવા માટે આ સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે રમતગમત ક્ષેત્રે આધુનિક અને સુસજ્જ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે તથા ભવિષ્યમાં નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરની સ્પર્ધાઓના સફળ આયોજન માટે યુનિવર્સિટી સંપૂર્ણપણે સક્ષમ છે.
આ પ્રસંગે મેયરે પોતાના સંબોધનમાં તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે સતત મહેનત, અનુશાસન અને સમર્પણ દ્વારા ખેલાડીઓ રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધારશે.
સમર કોચિંગ કેમ્પને સફળ બનાવવા માટે કોચ તરીકે ડૉ. ભાવેશ રાબા, ડૉ. પૂનમ જુડાસિયા, ડૉ. એચ. આર. ભાલીયા, અકીલ મુસાગરા, કૃષ્ણા જોશી, ચિંતનભાઈ રાવલ તેમજ શારીરિક શિક્ષણ વિભાગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. ઉપરાંત વિભાગીય અધિકારી કે. કે. બાવળા અને સમગ્ર સ્ટાફે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
