સિવિલમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ બાદ રેસીડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા
મહિલા તબીબ સાથે ગેરવર્તન કરનાર કર્મી સામે પગલાં લેવા,વોર્ડમાં સીસીટીવી વધારવા અને વિભાગમાં બાઉન્સર મૂકવા જુનિયર તબીબોની માંગ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફનાં સગાને યોગ્ય સારવાર ન આપી ડૉક્ટર સાથે ઝપાઝપી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં સ્ટાફ નર્સને તબીબે ફડાકા પણ મારી દીધાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ બનાવની સાથે હોસ્પિટલમાં કામ કરતાં કોન્ટ્રાકટ બેઝ કર્મીઓ તાત્કાલિક હડતાલ પર ઉતરી ગયા હતા. જ્યારે સમજાવટ બાદ મામલો થાળે પડી ગયો હતો.હવે બીજી બાજુ જુનિયર રેસીડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા છે.અને જવાબદાર મહિલા કર્મીને ફરજ પરથી હટાવી દેવાની માંગ કરી છે.
વિગતો મુજબ તબીબોએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, શનિવારના રોજ ઇમરજન્સી વિભાગમાં બીજા માળે મેડિકલ વોર્ડ નં ૭ માં જ્યોત્સનાબેન પ્રવીણભાઈ ઉં. વ. ૪૨, ગભરામણ તથા નબળાઈ સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. અને તેને તાત્કાલિક ધોરણે દાખલ કરીને તપાસ કરીને છાતીની પટ્ટી કાટેલ તથા યોગ્ય સારવાર ચાલુ કરવામાં આવી હતી. તેમજ દર્દી સભાન તથા સ્ટેબલ અવસ્થા માં હતા. આ પ્રકારની સારવાર મળવા છતાં પણ તેમની જોડે આવેલ રૂકશાનાબેન (ઓપીડી વિભાગ ના સર્વન્ટ) અને તેમના ૨ સગા દ્વારા વોર્ડ માં કામ કરી રહેલા ડો. મેરી.એલ અને ડો. અજય રાઠોડને દર્દીની તપાસ કેમ નથી કરી રહ્યા કહી , તેમને ગાળો આપી હાથાપાઈ કરી હતી. અને તેઓ દ્વારા આ બને ડોક્ટર ને લાફો મારવામાં આવ્યો હતો.અને તે સમયે કોન્ટ્રાક્ટ બેઝ કર્મીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી હતી.અને બીજી બાજુ દર્દી હોસ્પિટલ માથી દાખલ ફાઈલ સાથે લઈને કોઈને જાણ કર્યા વગર જતા રહ્યા હતા.
જેથી તબીબોએ જવાબદાર કર્મચારી રૂકશાનાબેનને કાયમી ધોરણે પોતાની ફરજમાંથી તાત્કાલિક પોરણે છૂટા કરવામાં ,તાત્કાલિક ધોરણે દરેક માળ પર એક અને બિલ્ડીંગની નીચે દ્વાર પર બે બાઉન્સર ૨૪ કલાક ફાળવવા,દાખલ દર્દીની સાથે 24 કલાક રહેવા માટે તથા દર્દીને મુલાકાત માટે આવતા સગા માટે ફાળવવામાં આવતી પાસની પ્રક્રિયાનું ચુસ્તપણે પાલન કરાવવા અને દરેક ઓપીડી તથા વોર્ડમાં CCTV કેમેરાની સંખ્યા વધારવામાંની માંગ કરી હતી.