રાજકોટ સિવિલમાં ઉંદરડાઓનો બેલે ડાન્સ, મચ્છરોનું કોલ્ડ પ્લે !
ઉંદર પકડવા કોન્ટ્રાકટ તો અપાયો પણ કોન્ટ્રાકટર આવતા નથી, મચ્છરોની ધણધણાટીથી દર્દી-સગાવ્હાલા પરેશાન
રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલ હંમેશા કોઈને કોઈ વિવાદમાં ચમકતી રહે છે ત્યારે લાંબા સમયથી સિવિલ હોસ્પિટલમાં ઘર કરી ગયેલા ઉંદરડા આતંક મચાવી દર્દીઓને બટકા ભરી રહયા હોવાની સાથે લોકોને સોઝા ચડાવી દે તેવા મચ્છરો સિવિલમાં દાખલ દર્દીઓ અને દર્દીઓના સગાવ્હાલાઓને શાંતિ લેવા દેતા ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે પણ પોતાની મજબૂરી મીડિયા સમક્ષ વ્યક્ત કરી મચ્છર અને ઉંદર મામલે કોન્ટ્રાકટર કામગીરી કરતા ન હોવાનો બળાપો ઠાલવ્યો હતો.
રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રભરમાંથી જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર શુશ્રુષા માટે આવે છે તેવી રાજકોટની સિવિલ હોસ્પિટલના જુના અને નવા બિલ્ડિંગમાં લાંબા સમયથી મસમોટા ઉંદરડાઓ ઘર કરી ગયા હોવાથી પીએમએસએસવાય જેવા અધિનિક બિલ્ડિંગમાં વ્યાપક નુકશાન થઇ રહ્યું છે.ગંભીર બાબત તો એ છે કે, મિલ્કતને નુકશાની પહોંચાડી રહેલા મસમોટા ઉંદરો હવે તો મોકો મળ્યે દર્દીઓને પણ બચકા ભરી રહ્યા છે. ખાસ કરીને સિવિલના કાડિયાર્ક વોર્ડ, આઇસીયુ સહિતના વિભાગમાં ઉંદરો આંટાફેરા કરી એસીના ડક, ઓક્સિજનની લાઈનોને પણ નુકશાન કરી રહ્યા છે. એ જ રીતે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોય સિવિલમાં દાખલ થતા દર્દીઓને ખાસ કરીને રાત્રીના સમયે મચ્છરોનું કોલ્ડ પ્લે કોન્સર્ટ મફતમાં માણવાની તક મળી રહી છે.
દરમિયાન રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડિયાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં મચ્છર અને ઉંદરનો ત્રાસ છે તે હકીકત છે.મચ્છર અને ઉંદરના ત્રાસને નિવારવા માટે સેન્ટ્રલ વેર હાઉસને પેસ્ટ કંટ્રોલ અંગેનો કોન્ટ્રાકટ પણ આપી દેવામાં આવ્યો છે પરંતુ એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આરોગ્ય વિભાગને પણ આ બાબતે રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.આમ હાલમાં રાજકોટ સિવિલમાં પેસ્ટ કંટ્રોલ કોન્ટ્રાકટરના કારણે દર્દીઓને ઉંદરડા બટકા ભરી જવાના ડર સાથે સારવાર લેવી પડી રહી હોવાનું સ્પષ્ટ બન્યું છે.