રાજકોટમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગ સાથે NSUI રેલી
૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યા ખાલી છે. ૩૮ હજાર વર્ગ ખંડોની મોટાપાયે ઘટ છે
જ્ઞાન સહાયક યોજના કેટલી નુકશાનકારક છે તે બાબતે શનિવારે NSUI દ્વારા રાજકોટના માર્ગો ઉપર વિશાળ સાયકલ રેલી કાઢી ટી-શર્ટ ઉપર બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ યોજના રદ્દ કરવા પણ માંગ કરી હતી. ઉપરોક્ત યોજના જાહેર કરવામાં આવી છે તેનાથી શિક્ષણ વ્યવસ્થા સુધારાની બદલે વધુ નુક્શાનકરાક સાબિત થઈ રહ્યાનો પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કર્યો હતો.
ગુજરાતના ૩૩ જીલ્લાની ૧૬૫૭ સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. જેમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં ૩૫૩ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ગુજરાતની પ્રાથમીક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવવી જોઇએ, પરંતુ ગુજરાતમાં ૧૬૫૭ સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. તેવો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
એક જ શિક્ષકના હવાલે ચાલતી શાળાઓમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરતાં હશે ? તેમનું ભણતર કેવું હશે ? એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ અતિ ચિંતાજનક અને વિકટ છે. ૧૬૫૭ માંથી સૌથી વધુ ૧૩૬૩ શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે. જ્યારે બાકીની ૨૯૪ શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારોની છે. રાજ્યની ૩૩ જીલ્લામાંથી સાત જીલ્લામાં સૌથી વધુ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે જેમાં કચ્છમાં ૨૧૩, અમદાવાદમાં ૯૮, રાજકોટમાં ૮૩, બનાસકાંઠમાં ૮૧, તાપીમાં ૮૦, મહિસાગરમાં ૭૭ અને દેવભૂમિ દ્વારકામાં ૭૩ શાળાઓ છે. ગ્રાન્ટેડ પ્રાથમીક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિધાર્થી-વિધાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની કરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે. તેવું એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું.
૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિધાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે. ગુજરાત સરકારે જે આધાર લઇને જ્ઞાન સહાયક યોજના જાહેર કરેલ છે તે રાષ્ટ્રિય શિક્ષણ નિતિ-૨૦૨૦ માં પેઈજ નં. ૨૨, પોઇન્ટ નં. ૫૧૭માં સ્પષ્ટ પણે કાયમી શિક્ષકો નિમણુંકની જોગવાઇ છે, તો પછી કોન્ટ્રાક્ટ આધારે જ્ઞાન સહાયક યોજના કેમ? રાજ્યમાં ૩૨૦૦૦ કરતા વધુશિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બીજીતરફ, ટેટ-ટાટ પાસ થયેલ ૫૦,૦૦૦ હજાર જેટલા ગુજરાતનાયુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે પણ, સરકારે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવુ કેટલા અંશે વ્યાજબી? રાજ્યનો શિક્ષણ વિભાગ જે રીતે એક પછી એક પગલા / યોજના જાહેર કરી રહી છે તેનાથી શિક્ષણ વ્યવસ્થા સુધારાને બદલે વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં સત્વરે કાયમી શિક્ષકોની નિમણુંક કરવામાં આવે અને ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત “જ્ઞાન સહાયક યોજના’ રદ કરવામાં આવે તેવી ગુજરાત NSUI દ્વારા માંગ કરવામાં આવી છે.