નવા ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર ૪૭ કરોડના ખર્ચે ત્રણ બ્રિજ પહોળા કરશે મનપા
પરશુરામ ચોકડીથી કટારિયા ચોકડી સુધીના રસ્તે આવતાં ત્રણ બ્રિજને પહોળા કરાયા બાદ એક લાખ લોકોને થશે ફાયદો
રંગોલી આવાસ યોજના પાસે બ્રિજ તેમજ સ્લેબ કલ્વર્ટ, રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડીપી રોડ પર વોંકળા ઉપર બ્રિજ, આર્ષ વિદ્યા મંદિર પાસે હાઈલેવલ બ્રિજની દરખાસ્ત

રાજકોટની વસતી, વિસ્તાર અને વાહન એમ ત્રણેયમાં વધારો થઈ ગયો હોવાથી ટ્રાફિક સમસ્યા વિકરાળ બની ગઈ છે. રસ્તા પહોળા કરવા અમુક વિસ્તારોમાં શક્ય ન હોવાથી તંત્ર દ્વારા અન્ડરબ્રિજ-ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે વોર્ડ નં.૯માં નવા ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપરના ત્રણ બ્રિજ કે જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અવર-જવર કરે છે તેને ૪૭ કરોડથી વધુના ખર્ચે પહોળા કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને કરવામાં આવી છે. પરશુરામ ચોકડીથી કટારિયા ચોકડી સુધીના રસ્તા પર આવતાં ત્રણેય બ્રિજને પહોળા કરાશે. આ ત્રણેય બ્રિજ નવા ૧૫૦ ફૂટ રિંગરોડ (જામનગર હાઈ-વેથી કાલાવડ રોડ)ને જોડતા મુખ્ય રસ્તા પરના બ્રિજ હોય તેને પહોળા કરવાથી એક લાખ લોકોને ફાયદો થવાનો અંદાજ છે.
આ બ્રિજના કામ માટે ચાર એજન્સી ક્વોલિફાય થઈ હતી જેમાં બેકબોન ક્નસ્ટ્રક્શને ૫.૪૯% ડાઉન ભાવ આપતાં તેને જીએસટી સહિત કુલ ૪૭,૧૨,૬૧,૪૭૨ રૂપિયામાં કામ આપવા માટે દરખાસ્ત કરાઈ છે જેના પર આજે સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય લેશે.
આ ઉપરાંત વોર્ડ નં.૧૧માં રંગોલી આવાસ યોજના પાસે ૨૪ મીટર ટીપી રોડ ઉપર ૮,૬૭,૩૩,૪૯૪ના ખર્ચે માઈનોર બ્રિજ તેમજ ૧૮ મીટર ટીપી રોડ પર સ્લેબ કલ્વર્ટ બનાવવાનું કામ બેકબોન ક્નસ્ટ્રક્શન પ્રા.લિન. ૨.૧૩%ના વધુ ભાવ સાથે આપવા, વોર્ડ નં.૧માં રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડીપી રોડ પર ૧૫,૧૯,૦૨,૮૪૭ના ખર્ચે વોંકળા ઉપર બ્રીજ બનાવવાનું કામ બેકબોન ક્નસ્ટ્રક્શન પ્રા.લિ.ને ૧.૭૫% `ઓન’ સાથે આપવા અને વોર્ડ નં.૯માં મુંજકા આર્ષ વિદ્યા મંદિર પાસે હાઈલેવલ બ્રિજ તેમજ મુંજકા પોલીસ સ્ટેશનથી આગળ વોંકળા પર બોક્સ કલ્વર્ટ બનાવવાનું કામ કે જેનો ખર્ચ ૬,૩૧,૮૮,૧૫૨ રૂપિયા છે તે કામ અમર ક્નસ્ટ્રક્શનને ૩.૨૨% ડાઉન ભાવે આપવા દરખાસ્ત કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટી આજે ૫૩ દરખાસ્તો પર લેશે નિર્ણય
આજે મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં અલગ-અલગ વિકાસકાર્ય, ખર્ચ, તબીબી સહાય સહિતની કુલ ૫૩ દરખાસ્તો અંગે ચેરમેન જયમીન ઠાકર સહિતની કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે.