રતનપરમાં રવિવારે ક્ષત્રિયો ખાંડા ખખડાવશે
ગુજરાતભરમાંથી ક્ષત્રીય આગેવાનો અને રાજવી પરિવારો ઉપસ્થિત રહે તેવું આયોજન
છેલ્લા ૧૫ દિવસ કરતા પણ વધુ સમયથી ભાજપના પુરુષોત્તમ રૂપાલા સામે આંદોલન ચલાવી રહેલા ક્ષત્રિયો હવે રવિવારે રાજકોટની ભાગોળે રતનપર ખાતે ખાંડા ખખડાવશે. ક્ષત્રીય સંકલન સમિતિના કન્વીનર રમજુભા જાડેજાએ જાહેરાત કરી છે કે, તા. ૧૪મીને રવિવારે સાંજે ૫ વાગ્યાથી મોરબી રોડ ઉપર રતનપર મંદિર સામેના મેદાનમાં વિશાળ ક્ષત્રીય સંમેલન મળશે અને તેમાં રૂપાલા સામેની માંગને વધુ બુલંદ બનાવાશે. તેમણે કહ્યુ હતું કે આ એક સામાજિક સંમેલન હશે.
આ ક્ષત્રીય સંમેલનમાં ગુજરાતભરનાં ક્ષત્રીય આગેવાનો, સૌરાષ્ટ્ર-કચ્છનાં રજવાડાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને સંગઠનની શક્તિ દેખાડશે.
આ અસ્મિતા મહા સંમેલનની તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપના ઉમેદવાર તાસ. ૧૬મીએ ઉમેદવારી નોંધાવવાના છે અને તે દિવસ ભાજપ શક્તિ પ્રદર્શન કરનાર છે ત્યારે તે પૂર્વે જ ક્ષત્રિયો મોટા પ્રમાણમાં શક્તિ પ્રદર્શન કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
દરમિયાન આજે પાટણમાં મળેલા અસ્મિતા મહા સંમેલનમાં મહિલા અગ્રણીઓએ સમાજ પાસે દિલ્હી જઈને વડાપ્રધાનને મળવાની અને તેમની પાસે રજૂઆત કરવાની મંજુરી માગી હતી. એક મહિલાએ કહ્યું હતું કે, વડાપ્રધાને કહ્યું હતું કે, બહેનોને મુશ્કેલી પડે ત્યારે દિલ્હીમાં તમારો ભાઈ બેઠો છે …તો અમારે અત્યારે મુશ્કેલી પડી છે એટલે દિલ્હીમાં તેમને મળીને આ રજૂઆત કરવી છે.