સરદારધામ-ખોડલધામને સામ સામે લાવી દેવા જયંતી સરધારાનો ઉપયોગ’ કરાયો !
પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ કુકરી ગાડી કરી
નરેશ પટેલ-ગગજી સુતરીયાને ભીડવી દેવા માટે ફાર્મહાઉસમાં જ કરાયું'તું પ્લાનિંગ: ટૂંક સમયમાં જ કરાશે ધડાકા-ભડાકા
રાજકોટના શ્યામ પાર્ટી પ્લોટમાં આયોજિત લગ્ન પ્રસંગમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને જૂનાગઢ પોલીસ ટે્રનિંગ સ્કૂલના પીઆઈ સંજય પાદરિયા વચ્ચે થયેલી મારામારી બાદ દરરોજ નવા-નવા ખુલાસા અને વાતો સામે આવી રહી છે. કોઈના મતે સરધારા-પાદરિયા વચ્ચે જૂનો ડખ્ખો હોવાને કારણે આ મારામારી થઈ હતી તો કોઈના મતે સરધારા ખોડલધામ છોડીને સરદારધામમાં ગયા હોવાને કારણે મગજમારી થયાનું કારણ આગળ ધરાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ કુકરી ગાંડી કરતા જણાવ્યું હતું કે આ ડખ્ખો સરદારધામ-ખોડલધામને સામસામે લાવી દેવા માટે કરાવાયો હતો અને તેના માટે જયંતી સરધારાનો
ઉપયોગ’ કરવામાં આવ્યો છે !
દિનેશ બાંભણિયાએ ઉમેર્યું કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને સરદારધામના સર્વેસર્વા ગગજી સુતરીયાને એકબીજા સાથે ભીડવી દેવા માટે જ આ ડખ્ખો કરાવાયો હતો. આ માટે સુવ્યવસ્થિત કાવતરું એક ફાર્મ હાઉસમાં ઘડવામાં આવ્યું હતું ત્યારે ટૂંક સમયમાં જ ફાર્મ હાઉસમાં મળેલી આ બેઠકમાં કોણ કોણ હાજર હતું, ત્યાં કેવું કેવું પ્લાનિંગ કરાયું, આ ફાર્મ હાઉસ કોનું હતું તે સહિતના મુદ્દે પર્દાફાશ કરવામાં આવશે. એકંદરે આ કાવતરું કડવા-લેઉવા પાટીદારોને એકબીજાની સામસામે લાવી દેવા માટે જ ઘડવામાં આવ્યું હોવાનો આક્ષેપ બાંભણિયાએ કર્યો હતો.