રાજકોટ રોગચાળાના રાફડામાં: ડેંગ્યુ-કમળો-ટાઈફોઈડ `આઉટ ઑફ કંટ્રોલ’
વરસાદે વિરામ લેતાં જ રોગચાળાએ આળસ મરડી: શરદી-ઉધરસ-તાવના કેસનો પણ ઢગલો
રાજકોટમાં અતિ ભારે વરસાદ પડ્યા હવે મેઘવિરામ થઈ ગયો છે. જો કે રોગચાળાએ વરસાદ બાદ આળસ મરડી હોય તેવી રીતે શહેર આખાને પોતાના રાફડામાં જકડી લીધું છે. શહેરમાં ઘાતક રોગચાળો આઉટ ઑફ કંટ્રોલ થઈ ગયો હોવાનું ચિત્ર મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલા રોગચાળાના આંકડા પરથી ફલિત થઈ રહ્યું છે. ડેંગ્યુ, કમળો, ટાઈફોઈડ સહિતના રોગચાળાએ માથું ઉંચકતા તહેવારોના દિવસોમાં જ લોકોની ચિંતામાં વધારો થઈ જવા પામ્યો છે.
આરોગ્ય શાખા દ્વારા તા.૯-૯-૨૦૨૪થી તા.૧૫-૯-૨૦૨૪ સુધીના સાત દિવસ દરમિયાન નોંધાયેલા રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જે પ્રમાણે ડેંગ્યુના વધુ ૨૯ (વર્ષના ૧૬૨), મેલેરિયાના બે, ચિકનગુનિયાનો એક, ટાઈફોઈડના ૫, કમળાના બે કેસ મળ્યા છે. આ ઉપરાંત શરદી-ઉધરસના ૧૨૩૯, સામાન્ય તાવના ૭૩૯ અને ઝાડા-ઊલટીના ૩૫૯ દર્દી નોંધાયા છે.
એ વાત પણ અત્રે નોંધવી જરૂરી છે કે આરોગ્ય શાખા દ્વારા પોતાના હસ્તકના ૨૩ આરોગ્ય કેન્દ્રો ઉપરાંત ગણીગાંઠી ખાનગી હોસ્પિટલો પાસેથી જ રોગચાળાના આંકડા એકઠા કરીને જાહેર કરવામાં આવી રહ્યા છે. જો શહેરના તમામ દવાખાના, ક્લિનિક તેમજ હોસ્પિટલો પાસેથી રોગચાળાના આંકડા એકઠા કરવામાં આવે તો રોગચાળાનું ચિત્ર કેટલું બિહામણું છે તેનો અસલ ખ્યાલ આવી શકે. જો કે આમ કરવામાં આવી રહ્યું નથી.