સાગઠિયાનું વધુ એક પરાક્રમ ! સાધુ વાસવાણી રોડ પર આવાસ યોજનામાં કોમર્શિયલ ખડકાવા દીધું
તંત્રના નાક નીચે વર્ષોથી ખદબદતાં ભ્રષ્ટાચારનો વધુ એક પોપડો ખર્યો
ગરીબો માટે ફાળવાયેલી જમીનમાં ચતુરાઈપૂર્વક કપાત કરીને મોટા બિલ્ડિંગને મંજૂરી આપી’ને મળતિયાઓ સાથે રહીને વર્ષો સુધી ખાધી મલાઈ'
ત્રણ માળના કોમ્પલેક્સમાં મેડિકલ સ્ટોર, પીયુસીની દુકાન ઉપરાંત બે દુકાનો ભાડે આપવા માટે ખુલ્લી ઓફર ! પેટા: ખંતપૂર્વક તપાસ થાય તો કોમ્પલેક્સનું ડિમોલિશન જ કરવું પડે...
એમ.ડી.સાગઠિયા...આ નામ અત્યારે કોર્પોરેશનની કચેરીમાં કે પછી બિલ્ડર લોબી પાસે બોલવામાં આવે એટલે આપોઆપ નામ પહેલાં
ભ્રષ્ટાચારી’ લાગી જ જાય છે ! ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાના એક બાદ એક પરાક્રમ બહાર આવી રહ્યા છે. ટીપી શાખામાં એકાદ દશકા કરતા વધુ સમયથી એકહથ્થું શાસન ચલાવનાર સાગઠિયાએ મળતિયાઓ સાથે મળીને ગેરકાયદેસર બાંધકામને આંખ બંધ કરીને મંજૂરી આપી છે અને તેના બદલામાં પેટ ભરીને મલાઈ' ખાધી છે જે કદાચ એસીબી કે ક્રાઈમ બ્રાન્ચ બહાર કઢાવી શકે તેવી શક્યતા રહેલી નથી ! આવું તેનું એક પરાક્રમ
વોઈસ ઓફ ડે’ના ધ્યાન પર આવ્યું છે. શહેરના પોશ વિસ્તારમાં જેની ગણતરી થાય છે તે સાધુ વાસવાણી રોડ ઉપર એમ.ડી.સાગઠિયાએ લાગતાં-વળગતાં સાથે મળીને આવાસ યોજનાની જગ્યા પર કોમર્શિયલ કોમ્પલેક્સ ખડકાવા દીધું છે અને વર્ષોથી આ કોમ્પલેક્સ ધીંગી કમાણી કરી રહ્યાનું વિસ્તારના લોકોનું કહેવું છે.
મહાપાલિકા દ્વારા સાધુ વાસવાણી રોડ ઉપર એસ.ઈ.ડબલ્યુ.એસ મતલબ કે ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે ટીપી સ્કીમ નં.૪ (રૈયા-૪)ના ફાઈનલ પ્લોટ નં.૭૩૨ કે જેની જગ્યા ૯૩૨૩ ચોરસ મીટર છે ત્યાં આવાસ યોજના બનાવવામાં આવી છે. આમ તો આ આવાસ યોજના ઘણી જૂની હોવાથી અત્યાર સુધી કોઈનું ધ્યાન આ કૌભાંડ તરફ ગયું ન્હોતું. જો કે ભ્રષ્ટાચારનો પોપડો ખર્યા વગર રહેતો નથી તેમ આ પોપડો પણ ખરીને હેઠો પડ્યો છે.
આમ તો આ આખોયે પ્લોટ આવાસ યોજના માટે અનામત હતો પરંતુ સાગઠિયા આણી ટોળકીએ ચતુરાઈપૂર્વક તેમાં કપાત કરીને કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપી દીધી હતી. આ કોમ્પલેક્સમાં અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર એક પીયુસીની દુકાન છે અને તેની બાજુમાં જ `રાઘવ મેડિસીન્સ’ નામે એક મોટો મેડિકલ સ્ટોર આવેલો છે. આ ઉપરાંત બીજા માળે એક દુકાન છે જે બંધ હાલતમાં પડી છે. આવી જ રીતે ત્રીજા માળે એક દુકાન બંધ છે તો એક ઑફિસ કાર્યરત હોવાનું આસપાસના રહીશોનું કહેવું છે.
એકંદરે સાગઠિયા એન્ડ કંપનીએ ગરીબોની જગ્યા ઉપર પણ તરાપ મારવાનું છોડ્યું નથી. જેટલી જગ્યામાં આ કોમ્પલેક્સ ઉભેલું છે તેટલી જગ્યા વાસ્તવિક રીતે ઉપયોગ કરવામાં આવી હોત તો ગરીબો માટે ઘણી સુવિધા થઈ શકે તેમ હતી પરંતુ ભ્રષ્ટાચારીઓને તો જાણે કે પોતાના ખીસ્સા જ ગરમ કરવા હોય તેવી રીતે જગ્યામાં કાપ મુકીને કોમ્પલેક્સ બનાવી લીધું છે અને તગડી કમાણી પણ કરી રહ્યા છે.
જો મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, બાંધકામ સમિતિ ચેરમેન ચેતન સુરેજા, ઈન્ચાર્જ ટીપીઓ પંડ્યા તેમજ વોર્ડના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા ખંતપૂર્વક તપાસ કરીને આ કૌભાંડના મુળમાં જવામાં આવે તો લોકો ગેરંટી સાથે કહી રહ્યા છે કે કોમ્પલેક્સનું ડિમોલિશન જ કરવું પડે…!!
આ કોમ્પલેક્સ મારું જ છે, દુકાન ભાડે જોઈતી હોય તો કહેજો…!
`વોઈસ ઓફ ડે’ દ્વારા જ્યારે સાધુ વાસવાણી રોડ પર આવેલા ઉપરોક્ત ગેરકાયદે કોમ્પલેક્સ કોનું છે તે અંગે તપાસ કરવામાં આવતાં ગ્રાઉન્ડ ફ્લોર પર પીયુસીની દુકાનનું સંચાલન કરતા જય નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે આ આખુંયે કોમ્પલેક્સ તેનું જ છે. ઉપરના બે માળ પર બંધ પડેલી દુકાન અંગે પૂછવામાં આવતાં તેણે એવો જવાબ આપ્યો હતો કે ત્રીજા માળે બંધ પડેલી દુકાન ભાડે જોઈતી હોય તો તેનું ભાડું ૧૫,૦૦૦ રૂપિયા છે અને બીજા માળે બંધ પડેલી દુકાન ભાડે જોઈતી હોય તો તેનું ભાડું ૨૦,૦૦૦ રૂપિયા લાગશે. વળી તેણે તો એમ પણ કહ્યું હતું કે ઝડપ કરજો કેમ કે આ દુકાન માટે બહુ ઈન્કવાયરી (ભાડે મેળવવા માટે પૂછપરછ) આવી રહી છે !! હવે જો પીયુસીની દુકાન ધરાવતાં જયનું જ આ કોમ્પલેક્સ હોય તો તાત્કાલિક તેની પાસેથી કોમ્પલેક્સની માન્યતા અંગે ખુલાસો પૂછવો જોઈએ કેમ કે વર્ષોથી આ રીતે ભાડું ખવાતું હોય અત્યાર સુધીમાં કેટલા પૈસાની કમાણી કરી હશે તે વાતનો ખુલાસો થવો પણ જરૂરી બની જાય છે.