કોઠારીયામાં સરકારી જમીનમાં મંદિરના નામે ગેરકાયદે બાંધકામ
સદભાવના સોસાયટીના રહેવાસીઓએ વધુ એક વખત દબાણ દૂર કરવા રજુઆત કરી
રાજકોટ : રાજકોટના કોઠારીયા મેઈન રોડ ઉપર આવેલ સદભાવના સોસાયટી નજીક સરકારી ખરાબાની અને વોંકળાના વહેણની જમીન દબાવી લઈ અહીં મંદિરના નામે ગૌશાળા અને અન્ય ગેરકાયદેસર બાંધકામ કરી લેવામાં આવતા સદભાવના સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતા વધુ એક વખત સોસાયટીના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને સરકારી ખરાબામા થયેલ ગેરકાયદેસર બાંધકામ હટાવવા માંગ ઉઠાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના કોઠારીયા મેઈન રોડ ઉપર આવેલ સદભાવના સોસાયટીના કોમનપ્લોટની બાજુમાં રેવન્યુ સર્વે નંબર 352ની જમીન ઉપર તેમજ બાજુમાં આવેલ વોંકળાની જમીન ઉપર એક મંદિર બનાવવાના નામે ગૌશાળા અને અન્ય ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવતા છેલ્લા ઘણા વર્ષોથી સદભાવના સોસાયટીમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, આ વર્ષે પણ પાણી ભરાઈ જતા લોકોને લાખો રૂપિયાનું નુકશાન શાન કરવું પડ્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સોસાયટીના રહીશોએ અગાઉ પણ ત્રણેક વખત રજુઆત કરી હોવા છતાં આ ગેરકાયદે બાંધકામ હટાવવામાં ન આવ્યું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.