આજી ડેમમાં ૧૨ દિ’ ચાલે તેટલું જ પાણી: નર્મદા નીર નહીં મળે તો સર્જાશે ધાંધીયા !
દિવાળીના તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છે જેમાં લોકોએ પાણીનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. બીજી બાજુ મહાપાલિકા દ્વારા તહેવારોમાં અડચણ વગર પાણી વિતરણ કર્યા બાદ હવે શહેરને પાણી પૂરું પાડતાં જળાશયોનું તળિયું દેખાવા લાગતાં સરકારને પત્ર લખી તાત્કાલિક નર્મદા નીર પૂરું પાડવા માટે માંગણી કરી છે. એકંદરે હવે આજી ડેમમાં ૧૨ દિવસ મતલબ કે ૩૦ નવેમ્બર સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાનો ઉલ્લેખ મ્યુનિ.કમિશનર દ્વારા લખાયેલા પત્રમાં કરવામાં આવ્યો છે.
મ્યુનિ.કમિશનર આનંદ પટેલે સરકારને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આજી-૧ ડેમમાં ૬૪૦ એમસીએફટી જળજથ્થો ઉપલબ્ધ છે જે હાલના ઉપાડ પ્રમાણે ૩૦ નવેમ્બર સુધી જ ચાલશે. જો સમયસર નર્મદા નીર આપવામાં નહીં આવે તો તેની સીધી અસર દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ વ્યવસ્થા ઉપર થશે. આવી જ રીતે ન્યારી-૧ ડેમમાં હાલ ૧૧૧૭ એમસીએફટી જળ જત્થો ઉપલબ્ધ છે જે આગામી તા.૩૧-૩-૨૦૨૪ સુધી દૈનિક ૫.૫૦ એમસીએફટીના ઉપાડ અનુસાર ચાલશે. ત્યારબાદ તા.૧-૪-૨૦૨૪થી તા.૩૧-૭-૨૦૨૪ સુધીના ચાર મહિના માટે અંદાજે ૬૦૦ એમસીએફટીના વિશેષ જળ જથ્થાની જરૂરિયાત સૌની યોજના મારફતે રહેશે. એટલા માટે શહેરની વિતરણ વ્યવસ્થામાં ખામી ન સર્જાય અને સુચારૂ રીતે જાળવી શકાય તેમજ ચોમાસું ખેંચાય અને ડેમમાં પાણીની આવક ન થાય તેવા સંજોગોમાં જુલાઈ-૨૦૨૪ સુધી પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૨૪૦૦ એમસીએફટીનો કુલ જળ જથ્થો મળવો જરૂરી બની જાય છે.