ઉપલેટામાં ઐતિહાસિક ડિમોલિશન, 500 એકર જમીન ખુલ્લી
નગરપાલિકાની હદમાં હાડફોડી ગામે છેલ્લા 25 વર્ષથી સરકારી જમીન ઉપર થતી હતી ખેતી : પ્રાંત-મામલતદારે જિલ્લાનું સૌથી મોતુંય ઓપરેશન પર પાડયું
રાજકોટ : રાજકોટ જિલ્લામાં સૌથી મોટા કહી શકાય તેવા ઐતિહાસિક ઓપરેશન ડિમોલિશનને ધોરાજી પ્રાંત અધિકારી અને ઉપલેટા મામલતદારે પર પાડી કરોડો રૂપિયાની કિંમતી 500 એકર ખેતીની જમીન ખુલ્લી કરાવી વર્ષો સુધી જમીન દબાવીને બેઠેલા મોટા માથાઓને શાનમા સમજી જવા સંદેશો આપી દીધો હતો.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઉપલેટા નગરપાલિકાની હદમાં આવતી હાડફોડી ગામની ગૌચરની જમીન ઉપર છેલ્લા 20થી 25 વર્ષથી ખેતી વિષયક દબાણ કરી લેવામાં આવ્યું હતું પરંતુ નગરપાલિકા આ જમીન ખુલ્લી નહીં કરાવી શકતા ગુરુવારે ધોરાજી પ્રાંત અધિકારી, ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા અને ઉપલેટા ચીફ ઓફિસર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સવારથી ઓપરેશન ડિમોલિશન શરૂ કરી અંદાજે 500 એકર સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.

વધુમાં ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાએ જણાવ્યું હતું કે, ઉપલેટા નગરપાલિકાની હદમાં આવતા હાડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર 18 ની ઉપલેટા નગરપાલિકાના નીમ કરેલ અંદાજે 200 હેક્ટર એટલે કે, 500 એકર જમીનમાંથી છેલ્લા 20થી 25 વર્ષથી 15થી 20 જેટલા આસામીઓએ કબ્જો જમાવી શરૂ કરી દેતા જિલ્લા કલેકટરના હુકમ અન્વયે ગુરુવારે ધોરાજી પ્રાંત અધિકારીની આગેવાનીમાં ડિમોલિશન શરૂ કરી રોટાવેટર અને જેસીબી વડે તમામ જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ જમીન ઉપર વર્ષોથી ગૌશાળા દ્વારા અબોલજીવોને નિભાવ માટે ફાળવણી કરવા માંગણી કરવામાં આવી હતી પરંતુ માથાભારે તત્વોના દબાણને કારણે પશુપાલકો અહીં ગૌચર હોવા છતાં પશુઓનું ચરિયાણ પણ કરી શકતા ન હતા કે ગૌશાળા પણ અહીં ગાયો માટે આશ્રયસ્થાન કે ચરિયાણની વ્યવસ્થા કરી શકતી ન હોય અંતે જિલ્લા કલેકટરની સૂચના બાદ પ્રાંત, મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા ઓપરેશન હાથ ધરી ઐતિહાસિક કામગીરી કરી કરોડોની કિંમતી જમીન ખુલ્લી કરાવી હતી.