કચરો નહીં હરિયાળી ! નાકરાવાડીમાં બનશે `અર્બન ફોરેસ્ટ’
જ્યાં જવું પણ કોઈને પસંદ નથી ત્યાં હવે ફરવા માટે લોકો ઉમટી પડશે
આખા શહેરનો કચરો જ્યાં જમા થાય છે તે નાકરાવાડી ડમ્પીંગ સાઈટ પર પાંચ લાખ વૃક્ષોનું કરાશે વાવેતર: જૂન-
જૂલાઈ સુધીમાં એકઠા થયેલા તમામ કચરાનો કરી દેવાશે નિકાલ: કચરામાંથી નીકળતું ખાતર પાથરવાનું શરૂ
આખા રાજકોટનો કચરો જ્યાં એકઠો કરીને નિકાલ કરવામાં આવે છે તે નાકરાવાડી ડમ્પીંગ સાઈટ કે જે સોખડા ખાતે આવેલી છે ત્યાં હવે ટૂંક સમયમાં જ અર્બન ફોરેસ્ટ બનવા જઈ રહ્યું છે. એકંદરે હવે નાકરાવાડી ખાતે કચરો નહીં બલ્કે લોકોને હરિયાળી જ જોવા મળશે. આ અંગેની તૈયારી પૂરપાટ ઝડપે શરૂ કરી દેવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
મ્યુ.કમિશનરે વધુમાં જણાવ્યું કે મહાપાલિકાનો ઈરાદો નાકરાવાડી ડમ્પીંગ યાર્ડ ખાતે અર્બન ફોરેસ્ટ-ગ્રીન બેલ્ટ તૈયાર કરવાનો છે. આ અંગેનું પ્રેઝન્ટેશન તાજેતરમાં જ અમદાવાદ ખાતે યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવ્યું હતું.
આજના દિવસે નાકરાવાડી ખાતે ૧૦ હજાર મેટ્રિક ટન કચરો એકઠો થયેલો છે જેમાંથી ૧૦ મશીનરી દ્વારા દરરોજ ૨૫૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં સાતથી ૮ મશીન વધારી ૩૫૦૦ ટન કચરાનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
આ ઉપરાંત દૈનિક કચરાનો નિકાલ કર્યા બાદ તેમાંથી જે ખાતર નીકળી રહ્યું છે તેને નાકરાવાડી ખાતે જ્યાં અર્બન ફોરેસ્ટ બનવાનું છે ત્યાં પાથરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ૨૫૦૦૦ ટન ખાતર પાથરી દેવાયું છે અને ત્યારબાદ માટી પણ પાથરવામાં આવશે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બે વર્ષની અંદર પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ માટે સદ્ભાવના ટ્રસ્ટ સાથે સમજૂતિ કરી લેવામાં આવી છે જે પૈકી આ વર્ષે અઢી લાખ અને આવતાં વર્ષે અઢી લાખ વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરશે.
કમિશનરે ઉમેર્યું કે અમારો લક્ષ્યાંક જૂન-જૂલાઈ સુધીમાં તમામ જૂના કચરાનો નિકાલ કરી દેવાનો છે જેથી કરીને ચોમાસું બેસે તે પહેલાં જમીન ક્લિયર થઈ જાય અને પછી તેના પર ખાતર-માટી પાથરીને વૃક્ષારોપણ કરી શકીએ.
ખાસ વાત એ છે કે જૂના કચરાનો નિકાલ થઈ ગયા બાદ નાકરાવાડી ખાતે દરરોજના કચરાનો દરરોજ નિકાલ થઈ જાય તે માટેનો પ્લાન્ટ શરૂ થઈ જશે અને આ માટે અદાણી સાથે મહાપાલિકાએ કરાર પણ કરી લીધો છે.
વેલડન: રાજકોટનું અનુકરણ બેંગ્લોરે કર્યું
રાજકોટ માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે મહાપાલિકા દ્વારા નાકરાવાડી ડમ્પીંગ યાર્ડ ખાતે અર્બન ફોરેસ્ટ બનાવવાના ઈરાદા સાથેનું પ્રેઝન્ટેશન વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કર્યા બાદ તે બેંગ્લોરને પણ પસંદ આવ્યું હતું અને તેણે પણ આ જ પ્રકારે અર્બન ફોરેસ્ટ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું મ્યુ.કમિશનરે જણાવ્યું હતું.
૧૫ માર્ચ સુધીમાં ક્નસ્ટ્રક્શન વેસ્ટના નિકાલ માટેનો પ્લાન્ટ શરૂ થઈ જશે
મ્યુ.કમિશનરે જણાવ્યું કે ૧૫ માર્ચ સુધીમાં નાકરાવાડી ખાતે ક્નસ્ટ્રક્શન વેસ્ટના નિકાલ માટેનો પ્લાન્ટ શરૂ થઈ જશે એટલા માટે આ પ્લાન્ટ શરૂ થઈ ગયા બાદ કોઈ પણ બિલ્ડર કે કોન્ટ્રાક્ટર દ્વારા જાહેરમાં ક્નસ્ટ્રક્શન વેસ્ટ નાખવામાં આવશે તો તેની પાસેથી ભારેભરખમ દંડ લેવામાં આવશે સાથે સાથે બિલ્ડિંગ પરમીશન રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરાશે.
વેસ્ટમાંથી બેસ્ટ બનાવાશે, ફરવા માટે વધુ એક સ્થળ મળશે
નાકરાવાડી ખાતે અર્બન ફોરેસ્ટ બન્યા બાદ ત્યાં વેસ્ટમાંથી તૈયાર કરાયેલા સ્કલ્પચર સહિતના આકર્ષણ મુકવામાં આવશે એટલા માટે લોકોને ફરવા માટેનું વધુ એક સ્થળ મળી રહેશે. આ ઉપરાંત પાંચેક લાખ વૃક્ષના વાવેતરને કારણે પ્રકૃતિપ્રેમીઓ માટે પણ વધુ એક પ્લેટફોર્મ ઉપલબ્ધ બનશે.