આજથી રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ફરી ફ્લાઈટ શરૂ: ટિકિટ રૂા.૪૭૦૦
૨૦૨૧માં એક મહિના માટે ફ્લાઈટ શરૂ કરાઈ’તી પણ પેસેન્જર ન મળતાં બંધ કરવી પડી હતી: ૧:૫૫ વાગ્યે રાજકોટ આવી ૨:૨૫એ ઉડાન ભરશે
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થાય ત્યારે સાચું પરંતુ ડોમેસ્ટિક મતલબ કે ઘરેલું ફ્લાઈટમાં વધારો થવા લાગ્યો છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ, ગોવા, પૂના બાદ હવે રાજકોટ વધુ એક શહેર સાથે જોડાશે અને તે શહેર છે હૈદરાબાદ. આજથી રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ફરી ફ્લાઈટ શરૂ થઈ રહી છે જેની ટિકિટનો દર રૂા.૪૭૦૦ રહેશે.
આ ફ્લાઈટ દૈનિક ઉડાન ભરશે. તે હૈદરાબાદથી બપોરે ૧૨:૧૦ વાગ્યે ઉપડી ૧:૫૫ વાગ્યે રાજકોટ પહોંચશે. રાજકોટથી ૨:૨૫એ ઉડાન ભરીને ૪:૦૫ વાગ્યે હૈદરાબાદ પહોંચાડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં પણ રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ફ્લાઈટ સેવા શરૂ હતી પરંતુ પૂરતા પેસેન્જર નહીં મળવાને કારણે એક મહિનાની અંદર જ તેને બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે પણ ઈન્ડિગો એર લાઈન્સ દ્વારા ફ્લાઈટ સંચાલિત કરવામાં આવી હતી.
જો કે છેલ્લા ઘણા સમયથી રાજકોટથી હૈદરાબાદ જનારા મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય પરંતુ રાજકોટથી કોઈ ફ્લાઈટ ન હોવાને કારણે તમામ ટ્રાફિક અમદાવાદ તરફ ડાયવર્ટ થઈ રહ્યો હોવાથી ઈન્ડિગો દ્વારા ફરી આ ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.