21મી સદીમાં પણ નાત બહાર મુકવાનો રાજકોટમાં ચોકાવનારો કિસ્સો
કોન્ટ્રાકટ પ્રથા અને બોગસ મેડિકલ સર્ટી મામલે અવાજ ઉઠાવનાર રાજકોટના યુવાનને નાત બહાર મુકાયો
રાજકોટ : આજના 21મી સદીના યુગમાં પણ હજુ નાત બહાર મુકવાની પ્રથા ચાલુ હોવાનો ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટના વાલ્મીકી સમાજ દ્વારા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયા નામના યુવાનને નાત બહાર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવતા સમાજની આ કાર્યવાહી સામે પારસ બેડીયાએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાય આપવા માંગ કરી છે.
રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, તેઓ યુનિયન મારફતે લાંબા સમયથી મહાનગરપાલિકામાં સ્વૈચ્છીક રાજીનામા મંજુર કરવા, બોગસ મેડીકલ સર્ટીફીકેટ કાઢવા તેમજ કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરી કાયમી ભરતી કરવા સહિતના મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે જેથી તેમના સમાજના ધર્મગુરૂ પૂ. ચિમનાજીબાપુ તેમજ સમાજના આગેવાનો મુકેશ પરમાર, અજય વાઘેલા, પ્રવિણ સોઢા, પ્રવિણ વાઘેલા, વિરાટ વાઘેલા સહિતના લોકોએ તેઓને નાત બહાર કાઢવા અને સમાજમાં બહિષ્કારની ધમકી આપી માનસીક ત્રાસ આપી રહ્યા છે.
વધુમાં તેમના જ સમાજના લોકો દ્વારા રાજકોટ શહેરના મોચીબજારમાં આવેલ શ્રદ્ધાનંદ વાલ્મીકી વાસમાં આવી નાત બહાર આવો, ઘર ખાલી કરો કહી 70 જેટલા પરિવારોને હેરાન પરેશાન કરી રહ્યા હોવાની સાથે તોફાનો ઉભા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવી તેમના જ્ઞાતિના આગેવાનો દ્વારા સોશ્યલ મીડીયાના મારફતે નાત બહારના વિડીયો બનાવી સમાજમાં ભાગલા પાડવાની નીતિ અપનાવી રહ્યા હોય આ ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી.