અમીન માર્ગ-નિર્મલા રોડ જેવા પોશ વિસ્તારોમાં પણ ‘રિઢા’ બાકીદાર
બે લાખથી વધુનો મિલકતવેરો બાકી હોય ટેક્સ બ્રાન્ચ પહોંચી કે તુરંત જ નાણાં ચૂકતે કર્યા
અલગ-અલગ વિસ્તારમાં વધુ ૧૦ મિલકત સીલ, ૩ નળ કનેક્શન કપાત
માર્ચ મહિનો નજીક આવતાં જ મહાપાલિકાની વેરા વસૂલાત શાખા ધડાધડ વસૂલાત કામગીરીમાં વળગી પડી છે. શહેરના પછાત અથવા તો ઓછા વિકસિત હોય તેવા વિસ્તારમાં વધુ સંખ્યામાં બાકીદારો નોંધાયેલા હોય તે માની શકાય પરંતુ અમીન માર્ગ, નિર્મલા રોડ, ગુલાબ વિહાર સોસાયટી સહિતના
પોશ’ વિસ્તારોમાં રહેતાં લોકો પણ જાણે કે રિઢા બાકીદાર હોય તેવી રીતે વેરો ભરવામાં ઠાગાઠૈયા કરતાં હોય તંત્ર દ્વારા લાલ આંખ કરવાનું શરૂ કરાતાં જ ફટાફટ ચૂકવણું કરી દીધું હતું.

વોર્ડ નં.૮માં અમીન માર્ગ પર આવેલી એક મિલકતનો ૧.૬૨ લાખ વેરો બાકી હતો જેને નોટિસ ફટકારાતાં જ તમામ વેરો ભરપાઈ કરી દીધો હતો. આ ઉપરાંત ગુલાબ વિહાર સોસાયટીમાં ૯૯૫૯૪ના વેરાની વસૂલાત ન થઈ રહી હોય સીલ મારવા ટીમ પહોંચી કે તુરંત જ બાકીદારે તમામ વેરો ભરી દીધો હતો. આવું જ નિર્મલા રોડ ઉપર પણ થયું હતું.
આ ઉપરાંત ટેક્સ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ૧૦ મિલકતોને સીલ મારી દીધું હતું તો ત્રણ નળકનેક્શન કટ કરાયા હતા.