TRP અગ્નિકાંડના આરોપી સાગઠિયાની ઈ.ડી બે દિવસ સુધી પૂછતાછ કરશે
એક-બે દિવસમાં જેલમાં જઈ ઇડી 60 ગણી બેનામી સંપતિ મામલે તપાસ હાથ ધરશે : અનેક નાના-મોટા માથાઓને રેલો આવે તેવી શક્યતા
રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલમાં રહેલા મનપાના સસ્પેન્ડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાનાં પ્રકરણમાં કોર્ટમાંથી પરવાનગી લઈ ઇ.ડી.એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાગઠિયા પાસેથી મળી આવેલી 60 ગણી બેનામી સંપતિ મામલે ઇડી દ્વારા તેની બે દિવસ સુધી પૂછતાછ કરવામાં આવવાની છે જેમાં અનેક નાના-મોટા માથાઓને રેલો આવે તેવું જાણવા મળી રહ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે, કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલમાં ધકેલાયેલા સૂત્રધાર મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજી સાગઠિયાનાં પ્રકરણમાં તપાસ માટે કોર્ટમાંથી ઇ.ડી. દ્વારા પરવાનગી માગવામાં આવી હતી અને જેની મજૂરી મળી જતા ઇ.ડી.એ તપાસનો ધમધમાટ શરૂ કર્યે હતો.આ મામલે આ કેસમાં ખાસ નિયુક્ત સ્પે. પી. પીએ જણાવ્યું હતું કે કોર્ટમાં ઇ.ડી. દ્વારા અરજી કરવામાં આવી હતી અને ટીપીઓ મનસુખ સાગઠિયા પ્રકરણમાં આ નવી ઇન્કવાયરી થઈ રહી છે અને કોર્ટે આ મામલે મજૂરી આપી છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને પોલીસે ગેઇમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ અંગેની તપાસમાં સૂત્રધાર તરીકે મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા હોવાનું ખૂલ્યું હતું અને પોલીસે મનસુખ સાગઠિયા, ફાયર ઓફિસર ભીખા ઠેબા સહિત 15 શખસની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.
તેમજ પૂર્વ ટીપીઓ મનસખુ સાગઠિયા સામે એસીબીએ તપાસ હાથ ધરી હતી અને તેના ભાઈની ઓફિસના લોકરમાંથી રૂ.3 કરોડની રોકડ, રૂ.15 કરોડનું સોનું સહિત કરોડોની મતા મળી આવતા એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો તેમજ ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુદ્ધ પણ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો તેમજ જેલમાં રહેલા મનસુખ સાગઠિયાની પૂછતાછ અર્થે ઈ.ડી. દ્વારા મંજૂરી માગવામાં આવી હોય મંજૂરી મળ્યે જેલમાં જઈ 48 કલાક સુધી તેની પૂછતાછ કરવામાં આવશે. જેથી પૂછતાછ બાદ આગામી દિવસોમાં અનેક નાના મોટા માથાઓને પણ ઇ.ડી.ની તપાસનો રેલો આવે તેવું સામે આવી રહ્યું છે.