આજથી ત્રણ દિવસ રાજકોટ સિવિલમાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ
દિવ્યાંગજનોએ કેમ્પનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ
રાજકોટ : દિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભ મળી રહે તેવા ઉમદા ઉદેશ્યથી રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, જિલ્લાના દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજાઈ રહ્યા છે. જે અન્વયે રાજકોટ શહેરમાં આજથી ત્રણ દિવસ એટલે કે, તા. ૧૮ જાન્યુઆરી સુધી સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજવામાં આવશે.
રાજકોટ શહેરમાં તા. ૧૬ થી ૧૮ જાન્યુઆરી દરમિયાન, સવારે ૯થી સાંજે પાંચ સુધીમાં જૂની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે કેમ્પ યોજાશે. જેમાં ૧૬મી જાન્યુ.એ વોર્ડ નંબર ૧થી ૭ના દિવ્યાંગજનો આ કેમ્પનો લાભ લઈ શકશે. ૧૭મી જાન્યુ.એ વોર્ડ નં.૮થી ૧૪ના દિવ્યાંગજનોએ કેમ્પમાં આવવાનું રહેશે. જ્યારે ૧૮મી જાન્યુ.એ વોર્ડ નં.૧૫થી ૨૩ના દિવ્યાંગજનો કેમ્પનો લાભ લઈ શકશે.આ ઉપરાંત ઉપલેટા તાલુકાનો દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ ૨૦મી જાન્યુઆરીએ સવારે ૯ થી પાંચ સુધી સરકારી હોસ્પિટલ ખાતે યોજવામાં આવશે. જ્યારે ધોરાજી તાલુકાનો કેમ્પ ૨૧મી જાન્યુઆરીએ સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે. જેતપુર તાલુકાનો કેમ્પ ૨૨મી જાન્યુઆરીએ સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે.
