નુકસાનીનો સર્વે શરૂ : અતિવૃષ્ટિગ્રસ્ત ઉપલેટા-ધોરાજીની જાત માહિતી મેળવતા કલેકટર
13 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો તેવા લાઠ ગામની સાથે સાથે ભાયાવદર સહિતના અન્ય ગામોની મુલાકાત લીધી
છેલ્લા અઠવાડિયા કરતા વધુ સમયથી ઉપલેટા, ધોરાજી પંથકમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે સોમવારે ઉપલેટાના લાઠ ગામે 13 ઈંચથી વધુ વરસાદ પડતા અતિવૃષ્ટિથી આ વિસ્તારમાં થયેલ નુકસાનીનો કયાસ કાઢવા માટે મંગળવારે ખુદ જિલ્લા કલેકટર ઉપલેટા, ધોરાજી અને ભાયાવદર સહિતના ગામોની જાત મુલાકાત લઈ પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો હતો સાથે જ નુકશાનીનો સર્વે પણ શરૂ કરાવી દેવામાં આવ્યો છે.
ઉપલેટા અને ધોરાજી પંથકની મુલાકાતે ગયેલા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર વિસ્તારમાં અતિવૃષ્ટિથી વાડી, ખેતરો તેમજ ખેતી પાકોને નુકસાન પહોંચ્યુ છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પૂરના પાણી ફરી વળતા લોકોના મકાનોની ઘરવખરીને નુકસાન પહોંચ્યુ હોય, આ નુકસાનીના પ્રાથમિક અંદાજ મેળવવા માટે સર્વે કામગીરી આરંભી દેવામાં આવી છે. સર્વે કામગીરી બાદ અસરગ્રસ્તોને સહાયની ચુકવણી કરવામાં આવશે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે આ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાન અંગે ગ્રામ્ય અગ્રણીઓ અને અધિકારીઓ સાથે પણ બેઠકો યોજી માહિતી મેળવવામાં આવી રહી છે. સાથે જ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અતિવૃષ્ટિગ્રસ્ત લાઠ સહિતના ગામોમાં ફરી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી નુકસાનીની જાત માહિતી મેળવી હતી. નોંધનીય છે કે, જિલ્લા કલેકટર મંગળવારે સવારથી જ ઉપલેટા, ધોરાજી અને ભાયાવદર વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ગ્રામ્ય વિસ્તારોની પણ મુલાકત લીધી હતી.
ખાસ કરીને ઉપલેટા પંથકમાં ખેતીની જમીનોનું મોટાપાયે ધોવાણ થવા પામેલ છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્તોના મકાનોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકસાન પહોંચેલ છે. બીજી તરફ પ્રથમ વરસાદમાં જ વાવણી કરનાર ખેડૂતોનો પાક લહેરાતો હતો પરંતુ સોમવારે ભારે વરસાદ બાદ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનું વાવેતર ધોવાઈ જતા ખેડુતો ચિંતિત બન્યા છે ત્યારે અસરગ્રસ્તોને પૂરતું નુકશાની વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.