ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવતા પાંચિયાવદરમાં ૧૫૦ મકાનનો સર્વે કરાયો
ચોમાસાની ઋતુમાં દેખા દેતા ચાંદીપુરા વાયરસે રાજ્યને ભરડો લીધો છે. મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યા બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ ધંધે લાગી ગઈ છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના ૬ શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા જેના નમુના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવતા ચાર બાળકના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે પાંચિયાવદર ગામના બાળકનો ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો: ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીની 2 એન્જિનિયરિંગ પરીક્ષાઓ રદ
આ અંગેની કલેક્ટર ડો.ઓમપ્રકાશને જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ અને સ્થાનિક અધિકારીઓને પાંચિયાવદર ગામે દોડાવ્યા હતા. આરોગ્ય વિભાગે ૧૫૦ જેટલા મકાનનો સર્વે કરી દવાનો છંટકાવ કર્યો હતો.
આ ઉપરાંંત પાંચિયાવદર ગામના ૧૫ વર્ષથી નીચેની ઉંમરના તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ તકે કલેક્ટરે ચાંદીપુરા વાયરસથી બચવા બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવા તેમજ ઘરમાં ક્યાં તિરાડ કે કાચા મકાન હોય ત્યાં સિમેન્ટ અથવા છાણ દ્વારા લીંપણ કરી ખાડા કે તિરાડ બુરી દેવા ખાસ સૂચના આપી છે.
