પત્નીની પ્રસૂતિનું બહાનું કાઢી માંગેલી કાર ગઠિયાએ ગીરવે મૂકી દીધી
બાંધકામના ધંધાર્થી સાથે મિત્રના મિત્રએ જ વિશ્વાસઘાત કર્યો: રૂા. ૨.૫૦ લાખની કાર ગુમાવતા નોંધાવી ફરિયાદ
શહેરમાં ‘ધરમ કરતા ધાડ પડ્યા’ સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવાને માનવતાના ધોરણે પોતાના મિત્રના મિત્રને પત્નીની ડિલિવરી માટે હોસ્પિટલ જવા પોતાની સ્વિફ્ટ કાર આપી હતી. પરંતુ આ ગઠિયાએ કારનો દુરુપયોગ કરી તેને બારોબાર ૨.૫૦ લાખમાં ગીરવે મૂકી દીધી હતી. આ છેતરપિડી મામલે ભોગ બનનાર યુવાને શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,આજીડેમ ચોકડી નજીક અનમોલ પાર્ક શેરી નં.-૨માં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા ૨૮ વર્ષીય સની રામભાઈ વશરાએ સુજલ ઉર્ફે ઉદય રમેશભાઈ વેગડા (રહે. પારડી, રાજકોટ, મૂળ રહે. રેશમડીગાલોલ, જેતપુર) સામે છેતરપિડીની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા. ૨૩ના રોજ સનીભાઈ પર તેમના મિત્ર સાગરનો ફોન આવ્યો હતો. સાગરે જણાવ્યું હતું કે, તેનો મિત્ર સુજલ વેગડા જે અવાર-નવાર પારડી શીતળા મંદિરે મળે છે, તેની પત્ની ગર્ભવતી છે અને પ્રસૂતિનો સમય નજીક છે. તેને જેતપુરથી હોસ્પિટલ લઈ જવા માટે તાત્કાલિક કારની જરૂર છે અને દવાખાનાનું કામ પત્યા પછી તે ગાડી પરત કરી જશે. આ વાત સાંભળીને સનીએ માનવતાના ધોરણે પોતાની કાર આપી હતી.
આ પણ વાંચો: હવે સમાજવાદી પાર્ટી અંગે શું થયો ધડાકો, શું વાત આવી બહાર ? જુઓ
કાર આપ્યાના બે-ત્રણ દિવસ બાદ મિત્ર સાગરનો જ ફરીથી ફોન આવ્યો હતો અને તેણે ચોંકાવનારી માહિતી આપી કે, સુજલે આ કાર જેતલસરના કેવલ બગડા નામના વ્યક્તિને રૂ. ૨.૫૦ લાખમાં ગીરવે મૂકી દીધી છે. આ બાબતની ખાતરી કરવા સનીભાઈ થોડા દિવસ બાદ જેતલસર ગયા હતા. ત્યાં તેમણે કેવલ બગડાને ફોન કરતા તે સ્વીફ્ટ કાર લઈને મળવા આવ્યો હતો. કેવલે સ્પષ્ટ કહી દીધું હતું કે, `તમે મને રૂ. ૨.૫૦ લાખ આપો તો જ હું તમારી ગાડી તમને સોંપી દઉં.’ આ ઘટના બાદ ગત તા. ૧૩ના રોજ સનીએ જ્યારે ગાડી લેવા ગયો ત્યારે જેતપુરના સરદાર ચોકમાં સુજલ ઉર્ફે ઉદય ચા-પાણીની લારી પાસે ઉભેલો જોવા મળ્યો હતો. સનીએ તેને અવાજ મારતા તે ઊભો રહ્યો ન હતો. તેનો પીછો કરતા તેણે કહ્યું હતું કે, `તમારી ગાડી મારી પાસે નથી, મેં ગીરવે મૂકી દીધી છે’, તેમ કહીને તે ત્યાંથી ભાગી ગયો હતો. આખરે, માનવતાના નામે વિશ્વાસઘાતનો ભોગ બનેલા યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
