ફોર વ્હીલમાં 9999 નંબર મેળવવા માટે રૂ.11.20 લાખ ભાવ બોલાયો
રાજકોટની આરટીઓ કચેરીમાં ફોર વ્હીલની નવી સીરિઝ GJ 03 NF માં પસંદગીના નંબર માટે લાખો રૂપિયા ખર્ચાશે
1 નંબર માટે રૂ.10.20 લાખ, 4444ના રૂ.4.77 લાખ, 1060 વાહન માલિકોએ પસંદગીના નંબર માટે ભાવ મોકલ્યા
વાહન શોખીનો માટે પસંદગીના નંબરનો ક્રેઝ વધુ હોય છે. આર.ટી.ઓ કચેરીમાં ટુ વ્હીલર કે ફોર વ્હીલરની નવી સીરીઝ જ્યારે ખુલવાની હોય તે પહેલા જ વાહન માલિકો માટે 9, 9999 અને 1 નંબર લેવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવતા હોય છે. આવી જ રીતે રાજકોટમાં ફોર વ્હીલની નવી સીરીઝ GJ 03 NFમાટે 9999 નંબર મેળવવા વાહન માલિકે રૂ.11.22 લાખ લગાવ્યો છે. જ્યારે1 નંબર માટે રૂ.10.20 લાખ જેવા ભાવ આરટીઓને મળ્યા છે. આરટીઓ કચેરીમાં પસંદગીના નંબર માટે 1060 વાહન માલિકો તરફથી 1.54 કરોડની આવક થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ આરટીઓ કચેરીમાં ફોર વ્હીલની નવી સિરીઝમાં પસંદગીના નંબર માટે વાહન માલિકો પાસેથી ભાવ મંગાવવામાં આવે છે ત્યારબાદ હરાજીમાં જે અપસેટ પ્રાઈઝ કરતા વાહન માલિક વધારે રકમની બોલી બોલે તેને તે નંબર ફાળવવામાં આવતો હોય છે. દર વખતે ફોર વ્હીલ અને ટુ-વ્હીલરમાં પસંદગીના નંબર માટે વાહન માલિકોમાં9 નંબરનો સૌથી વધુ ક્રેઝ હોય છે.ફોર વ્હીલની નવી સીરિઝ જે આગામી દિવસોમાં ખુલવાની છેતેમાં 9999 નંબર તેમજ 1234 અને 1 નંબર ઉપરાંત 99 નંબર માટે હરાજીમાં સૌથી વધુ ભાવ આરટીઓને મળ્યા છે. દરેક વાહનોની પસંદગીના નંબર માટે વાહન માલિકો દ્વારા રૂપિયા 1 લાખ કરતાં પણ વધુ રકમની બોલી બોલવામાં આવી છે. આવા પસંદગીના નંબર માટે વાહન માલિકો લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે.ઘણીવાર વાહન માલિકો કાર અને બાઈકની કિંમત જેટલા જ અથવા તો તેના કરતાં પણ વધુ રકમ વાહનના નબર માટે ખર્ચી નાખતા હોય છે.