રાજકોટની યુવતીએ લંડનમાં વડાપ્રધાન માટે બોલેલા શબ્દોથી વિવાદ સર્જાયો
ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ વુમને લંડન પ્રોટેસ્ટ સ્પીચમાં ગુંડા શબ્દ પ્રયોગ બાદ સોશિયલ મીડિયામાં અમર્યાદિત ટિપ્પણીઓ થઇ
નીટ પેપર લીકનો વિવાદ અને વિરોધ સાથે દિલ્હીના જંતર-મંતરમાં યોજાયેલા પ્રોટેસ્ટ સાથે આ વિરોધ વૈશ્વિક બની ગયો હતો અને અન્ય દેશમાં રહેતા ભારતીયો દ્વારા પણ જે તે શહેરમાં પ્રોટેસ્ટ યોજીને દેખાવો કરાયા હતા. ગત ૨૬ જુલાઈના રોજ લંડનમાં ટ્રફલગર સ્કવેર પાસે યોજાયેલા પ્રોટેસ્ટમાં રાજકોટની મયુરી પુરોહિત નામની યુવતીએ પોતાની સ્પીચમાં વડાપ્રધાન વિશે ઉચ્ચારેલા શબ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
લંડનમાં સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટમાં યુવતીએ વડાપ્રધાન વિશે `ગુંડા’ શબ્દ પ્રયોજ્યા હતા જેને લઈને આ વીડિયો વાયરલ થયા બાદ હવે સોશિયલ મીડિયામાં વિરોધમાં અને તરફેણમાં મેસેજ કોમેન્ટનો મારો ચાલી રહ્યો છે. કોઈ આ યુવતીને કોઈએ પાકિસ્તાની ગણાવી, કોઈએ રાજકોટની મુસ્લિમ યુવતીએ લંડનમાં પહોંચીને વિરોધ દાખવ્યો. વળી કોઈએ આ યુવતી લંડનમાં પાકિસ્તાન હાઈકમિશનની મીટિંગ એટેન્ડ કરતી હોવાનો જેવા વિચારો આવ્યા તેવા શબ્દો લખીને યુવતીને ટ્રોલ કરી હતી.
કાજલ હિન્દુસ્તાનીએ પણ આ યુવતી અંગે પોસ્ટ કરીને લખ્યું હતું કે, આ એક આખું ષડયંત્ર છે. આવી અન્ય ઘણી પોસ્ટો થઈ હતી. રાજકોટનું નામ આવતા આ યુવતી ખરેખર કોણ છે તે તપાસનો વિષય બન્યો હતો અને અંતે એવું સ્પષ્ટ થયું છે કે, મયુરી પુરોહિત કોઈ પાકિસ્તાની યુવતી નથી કે લંડનમાં પાકિસ્તાન હાઈકમિશનની મીટિંગમાં નહોતી ગઈ. આ યુવતી મુળ વિસાવદરની વતની અને રાજકોટમાં યુનિવર્સિટી રોડ વિસ્તાર પર રહે છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના બિઝનેસ સાથે જોડાયેલી છે અને સમયાંતરે વિદેશ બિઝનેસ ટૂરમાં જતી હોય છે તે સંદર્ભે જ તે ગત માસે ત્રણ મહિના માટે લંડન બિઝનેસ ટૂરમાં ગઈ હતી અને ત્યાં ભારતીય દેખાવકારોની પ્રોટેસ્ટમાં જોડાઈને પોતાનો અંગત મત વ્યક્ત કર્યો હતો.
હા, હું કોંગ્રેસની કાર્યકર્તા છું સાથે દેશની સ્વતંત્ર જવાબદાર નાગરિક છું: મયુરી પુરોહિત
સોશિયલ મીડિયામાં થયેલા સમગ્ર વિવાદ સંદર્ભે હાલ લંડન સ્થિત મયુરી પુરોહિત સાથે `વોઈસ ઓફ ડે’એ વાતચીત કરતાં તેણે એવું જણાવ્યું હતું કે, તે ત્રણ માસની બિઝનેસ ટૂર માટે લંડન આવી છે અને જે તે સમયે નીટ પેપરને લઈને વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલી બર્બરતાને લઈને લંડનમાં થયેલી પ્રોટેસ્ટમાં પોતે જોડાઈ હતી. મોદી સાહેબને કોઈ અપશબ્દો કે ગાળો નથી આપી, પોલીસે જે રીતે યુવતીઓની મર્યાદા મુકીને ક્રુરતા આચરી હતી તે સંદર્ભે પોતાને આક્રોશ હતો. આમાં જે લોકો ખોટી રીતે મુસ્લિમ-પાકિસ્તાની ચીતરી રહ્યા છે તેઓને મારે એટલું જ કહેવું છે કે, પોતે બ્રાહ્મણ, ચૂસ્ત હિન્દુ છે, હિન્દુસ્તાની છે, ભારત દેશની સ્વતંત્ર નાગરિક છે. હા, હું કોંગ્રેસ સાથે છેલ્લા બે વર્ષથી જોડાયેલી છું, એક કાર્યકર્તા છું પરંતુ લંડન પોતાના બિઝનેસ અર્થે જ ગઈ છે અને કોઈપણના કહેવાથી પોતે આવું કંઈ બોલી નથી. મારા વીડિયો એડિટ કરીને નેગેટિવ રીતે ચલાવાઈ રહ્યા છે, હું જરૂર પડ્યે લિગલ એક્શન પણ લઈશ.
