પગમાં 7 કપાસી, છતાં હિંમત અડીખમ: 75 વર્ષે રોજ 5 કલાક ચાલીને પલાળેલા કઠોળ વેચતા હરસુખ દાદા
ઉંમર 75, બંને પગમાં 6-7 કપાસી, ભાડાનું 200 રૂપિયાવાળું ઘર અને પત્નીના અવસાન બાદનું એકલવાયું જીવન – આ બધા વચ્ચે મોટાભાગના લોકો હિંમત હારી જાય. પણ રાજકોટના હરસુખ દાદાએ સંજોગોને નમાવ્યા. છેલ્લા 8 વર્ષથી તેઓ રોજ સાંજે 6થી રાતે 12 સુધી શહેરની શેરીઓ ખૂંદે છે અને માત્ર 40 રૂપિયામાં પલાળેલા પૌષ્ટિક કઠોળ વેચે છે. તકલીફને તાકાત બનાવીને સ્વાભિમાનથી જીવતા આ દાદા આજે યુવાનો માટે આત્મનિર્ભરતાનું જીવતું ઉદાહરણ બની ગયા છે.
સંઘર્ષથી શરૂ થયેલી સફર
રાજકોટના ગૌતમનગરમાં રહેતા હરસુખ દાદાનું જીવન સહેલું નથી રહ્યું. થોડા વર્ષો પહેલાં પત્ની કિડની બીમારીમાં અવસાન પામતા તેઓ એકલા પડી ગયા. પગમાં કપાસીને કારણે ચાલવું પણ મુશ્કેલ છે, છતાં તેમણે કોઈની સામે હાથ લંબાવ્યો નહીં. 8 વર્ષ પહેલાં તેમણે પલાળેલા કઠોળનો નાનો ધંધો શરૂ કર્યો. “મહેનત કરો એટલે ભગવાન આપે જ” – એ તેમનો મંત્ર છે.
રોજ 5 કલાકની ‘પદયાત્રા’
દરોજ સાંજે 6 વાગે દાદા ઘરેથી નીકળે છે. ગૌતમનગરથી લાખાના બંગલા, મોચીનગર, હીરાના બંગલા થઈને નકળંક ચોક સુધી પગપાળા ફરે છે. પગની કપાસીના દુખાવા વચ્ચે પણ તેઓ રાતે 11-12 વાગે વેચાણ પતાવીને જ ઘરે પાછા ફરે છે. “બેસી રહું તો ટેવ પડી જાય, ચાલું છું એટલે જીવું છું” એવું તેઓ હસીને કહે છે.
40 રૂપિયામાં પૌષ્ટિકતા અને પ્રામાણિકતા
મોંઘવારીના આ જમાનામાં જ્યારે 250 ગ્રામ કઠોળ 30-35 રૂપિયે આવે છે, ત્યારે દાદા તેને માત્ર 40 રૂપિયામાં વેચે છે. તેમનો હેતુ નફો નહીં, લોકો સુધી સસ્તો અને પૌષ્ટિક આહાર પહોંચાડવાનો છે. ગ્રાહકને કઠોળ બનાવવાની રીત પણ શીખવે – ડુંગળી-ટામેટાની ગ્રેવીમાં વઘાર કરીને ખાવ. અને મજાકમાં કહે કે “સારા ન લાગે તો પૈસા પાછા આપી દઈશ”.
મોસમ મુજબનો વ્યવસાય, અટકે નહીં હિંમત
દાદાનો ધંધો માત્ર કઠોળ પૂરતો મર્યાદિત નથી. દિવાળીએ રંગોળીના કલર વેચે, નવરાત્રીમાં ગરબા-ડાંડિયાની વસ્તુઓ વેચે. “કોઈપણ કામ નાનું નથી” એમ માનનારા દાદા દરેક સિઝનને તકમાં બદલી નાખે છે. 200 રૂપિયાના ભાડાના ઘરમાં રહીને પણ તેમણે સ્વમાન ક્યારેય વેચ્યું નથી.
લોકોનો પ્રેમ, દાદાની પ્રેરણા
દાદા કહે છે કે તેમના ગ્રાહકોમાં ખાસ કરીને બહેનો ખૂબ સાથ આપે છે. “દાદા તમે ભલું કરો છો” એવું કહીને મહિલાઓ તેમને પ્રોત્સાહિત કરે છે. તેમની આ વાત સાંભળીને ઘણા યુવાનો શરમાઈ જાય છે જેઓ નાની મુશ્કેલીએ હાર માની લે છે.
હરસુખ દાદાની કહાની આપણને શીખવે છે કે ઉંમર, તકલીફ કે એકલતા હિંમતને રોકી શકતા નથી. જ્યારે ઈરાદા મજબૂત હોય ત્યારે 75 વર્ષે પણ માણસ રોજ 5 કલાક ચાલીને પોતાનું જગત બનાવી શકે છે.
