૧૨ વર્ષની બાળકીને અડપલા કરવાના ગુન્હામાં ૫ વર્ષ સજા
શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની ૧૨ વર્ષની દીકરીને વિકૃત માનસિકતા ધરાવતા શખસે કેળા લઈ આપવાનું કહીને અડપલાં કર્યા હોય જે કેસમાં અદાલતે આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી છે..
આ કેસની હકિકત મુજબ, ભોગબનનાર બાળકી તા.૧૭-૧૦-૨૦૨૩ ના રોજ પોતાના પિતાના ધંધાની જગ્યાએથી પોતાના નાના ભાઈ સાથે સાયકલ લઈને પરત ફરતી હતી ત્યારે જાહેર રસ્તા ઉપર આરોપીએ તેણીની પાછળ આવી બાળકીને ઉભી રાખીને ૧૦ રૂપિયા આપીને કેળા લાવવાનું કહેતા બાળકીએ તેને ના પાડતા આરોપીએ બાળકીને બથ ભરવાનો પ્રયત્ન કરતા બાળકી ચીસો પાડીને રડવા લાગતા ત્યાંથી ભાગી ગયેલ હતી. આ બનાવ અંગે ભોગબનનારની માતાની ફરીયાદી નોંધીને એ-ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપી અનવરઅલી કોસોમુદ્દીન ઓસ્ટાગર ધરપકડ કરી તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
કેસ ચાલવા પર આવતા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, ભોગબનનાર બાળકીએ તેની જુબાની વખતે આરોપીને ઓળખી બતાવેલ છે અને તે રીતે ફરીયાદીની જુબાનીને સમર્થન આપેલ છે તેમજ બનાવ સમયના સીસીટીવી ફુટેજ પુરાવામાં રજુ રાખેલ છે. બંને પક્ષકારોની વિગતવાર દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને સ્પેશીયલ પોકસો કોર્ટના જજે આરોપીને તકસીરવાન ઠરાવી આઈ.પી.સી. કલમ-૩૫૪ મુજબ પાંચ વર્ષની કેદની સજા તથા રૂા.૨૦૦૦ નો દંડ તથા આઈ.પી.સી. ૩૫૪(ડી) મુજબ ત્રણ વર્ષ અને રૂા.૨૦૦૦ના દંડની સજા ફટકારી હતી. આ કેસમાં સરકાર તરફે એ.પી.પી. પ્રશાંત પટેલ તથા સહાયક તરીકે રાજન ટીંબા રોકાયેલ હતા.