7મી જૂને જેક્વેલિન ફર્નાન્ડીઝ-સલીમ-સુલેમાન રાજકોટમાં મચાવશે ધમાલ : STPLના ઉદ્ઘાટન સમારોહમાં કરશે પરફોર્મન્સ
ગ્લેમરથી ભરપૂર ઈન્ડિયન પ્રિમીયર લીગનું દમદાર સમાપન થયા બાદ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકોને વધુ એક નઝરાણું મળવાનું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સાત જૂનથી નિરંજન શાહ સ્ટેડિયમ ઉપર સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં સ્ટેડિયમ ઉપર શાનદાર ઉદ્ઘાટન સમારોહ યોજાશે જેમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડીઝ ઉપરાંત સુમધુર ગાયક કલાકાર સલીમ-સુલેમાનની જોડી પરફોર્મ કરશે તેવી જાહેરાત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.

બીજી બાજુ જેક્વેલિને આ અંગે કહ્યું કે તે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ઉપર પરફોર્મ કરવા માટે એકદમ તત્પર છે. એકંદરે IPL જેવો જ માહોલ ઉભો કરવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણેય કલાકારો ઉપરાંત અન્ય મહાનુભાવો પણ ઓપનિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળ્યું છે.
7 જૂનથી ટૂર્નામેન્ટની પ્રથમ મેચ શરૂ થાય તે પહેલાં આ કાર્યક્રમ યોજાશે. જો કે તેમાં લોકોને વિનામૂલ્યે પ્રવેશ મળશે નહીં અને ઓપનિંગ સેરેમની જોવા માટે ટિકિટ ખરીદીને એન્ટ્રી મેળવવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટૂર્નામેન્ટમાં પાંચ ટીમ ભાગ લઈ રહી છે જેમાં અનમોલ કિંગ્સ હાલાર, આર્યન સોરઠ લાયન્સ, જેએમડી કચ્છ રાઈડર્સ, ઝાલાવાડ સ્ટ્રાઈકર્સ અને દીતા ગોહિલવાડ ટાઈટન્સનો સમાવેશ થાય છે. આ ટૂર્નામેન્ટ સાત જૂનને શનિવારે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થો અને ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 18 જૂને રમાશે.