કામ વગર બહાર ન નીકળતાં ! આ તારીખથી પડશે ભયંકર ગરમી, હવામાન વિભાગની આગાહી
- 15 એપ્રિલથી ફરી હીટવેવ, રાજ્યમાં રાજકોટ સૌથી ગરમ
- 40.3 ડિગ્રી, હિટવેવની વિદાય બાદ પણ રાજકોટ ધગધગ્યું
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હિટવેવની વિદાય વચ્ચે આગામી તા.15 એપ્રિલથી ફરી હીટવેવ આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ હીટવેવ ગયા બાદ પણ સમગ્ર રાજ્યમાં શુક્રવારે રાજકોટ 40.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. જો કે, આગામી બે દિવસમાં હજુ પણ મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચે ઉતરવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી સૌરાષ્ટ્ર કચ્છમા હીટવેવ વચ્ચે આકરો તાપ પડયા બાદ ગઈકાલથી હિટવેવની વિદાય થતા તાપમાનમાં ઘટાડો થયો હતો જે શુક્રવારે પણ ચાલુ રહેતા રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ શુક્રવારે રાજકોટ સમગ્ર રાજ્યમાં ઔથી ગરમ શહેર રહ્યું હતું.
રાજકોટમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું હતું. જયારે સુરેન્દ્રનગરમાં 39.3, ભાવનગરમાં 39, અમરેલીમાં 38.8, અમદાવદમાં 37.8, ભુજમાં 37.3, ગાંધીનગરમાં 37, વડોદરામાં 36.8, ડીસામાં 36.4, સુરતમાં 32.8 અને પોરબંદરમાં 32.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન આગામી તા.15થી ફરી રાજ્યમાં હિટવેવની સ્થિતિ સર્જાવાનું અને 16મીએ રાજકોટ માટે હવામાન વિભાગે હીટવેવનું યલો એલર્ટ આપ્યું છે.