રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા 44 તલાટીની માંગણી મુજબ બદલી કરાઇ
કુલ 53માંથી 9 તલાટી કમ મંત્રીની વહીવટી કારણોસર બદલી
રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની બદલીનો ઘાણવો નીકળ્યો છે. જિલ્લાના 11 તાલુકામાં ફરજ બજાવતા 53 તલાટી કમ મંત્રીની વહીવટી અને માંગણી મુજબ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) દ્વારા બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા પંચાયત નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ દ્વારા મંગળવારે જિલ્લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની બદલી કરાઇ છે. મહત્વનું છે કુલ 53 તલાટી કમ મંત્રીની બદલી કરવામાં આવી છે. જેમાં 44 તલાટીને તેમની માંગણી પ્રમાણે તો 9 તલાટીને વહીવટી કારણોસર બદલી કરાઇ છે. તો બીજી તરફ વહીવટી કારણોસર બદલી પામનાર તલાટીઓમાં મોટાભાગનાને તેમના હાલના તાલુકામાં જ બદલી કરાઇ છે. સૌથી વધારે ગોંડલ તાલુકાના 13, રાજકોટના 12, લોધિકાના 7, પડધરી અને ધોરાજી તાલુકાના 4-4 તલાટીની બદલી કરવામાં આવી છે.
મહત્વનું છે જે 9 તલાટી કમ મંત્રીની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે તેમાં પણ 6 તલાટીની તેમના મૂળ તાલુકામાં જ બદલી કરાઇ છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ કરેલા બદલીના હુકમની તાત્કાલિક અસરથી અમલવારી કરવાની રહેશે તેમજ તાલુકા વિકાસ અધિકારીએ હાજર/છુટ્ટા કર્યા અંગેનો રિપોર્ટ જિલ્લા પંચાયત કચેરીને કરવાનો રહેશે.