અરે વાહ ! ૧૭ રંગોળીએ આખા રાજકોટનું મન મોહી લીધું
પાણી પીતું બાળક, રતન ટાટા, નારી તું નારાયણી, ખંભો, ડ્રગ્સથી બચજો હો મારા વ્હાલા સહિતની રંગોળી બનાવનારને અપાશે ઈનામ
કોઈને મનદુ:ખ ન થાય તે માટે પ્રથમ, દ્વિતીય, તૃતિય ક્રમ ન અપાયો
દિવાળીના તહેવારને અનુલક્ષીને મહાપાલિકા તેમજ મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ અને ચિત્રનગરીના સહયોગથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને એક-એકથી ચડિયાતી રંગોળી બનાવી હતી. આ સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને તેમાં ૧૭ કલાકારની રંગોળીના આઈડિયાને પસંદ કરી ઈનામથી નવાજવામાં આવશે.
આમ તો આખો રિંગરોડ રંગોળીથી ભરપૂર થઈ ગયો હતો અને તેમાંથી ઈનામ આપવા માટે કઈ રંગોળીની પસંદગી કરવી તે પણ નિર્ણાયકો માટે કપરું કામ બની ગયું હતું આમ છતાં જે રંગોળીની ઈનામ તરીકે પસંદગી કરવામાં આવી છે જેમાં પાણી પીતું બાળક, રતન ટાટા, નારી તું નારાયણી, ખંભો, ડ્રગ્સથી બચજો હો મારા વ્હાલા સહિતની રંગોળીની પસંદગી કરવામાં આવી હતી.
આ વખતે નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતિય એમ ક્રમ આપવાની જગ્યાએ થીમના આધારે વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા. સ્લોગન ગ્રુપ રંગોળી ૨૬ પ્રકારની બનાવાઈ હતી જેમાં વૈભવ રાણપરિયા, હિર સાકરિયા, રીતુ સાવલિયા, હિતાર્થી સખીયા તેમજ મૈત્રી વેકરીયાની રંગોળી પસંદ કરાઈ હતી. આ રીતે ગ્રુપ રંગોળીમાં માહી અકબરી અને શિવમ અગ્રવાલ, વ્યક્તિગત રંગોળીમાં દિવ્યેશ પરમાર, ડૉ.રિદ્ધિ કાલરિયા, પૃષ્ટિ વીરમગામા, ધન્વી પાનસુરિયા, દર્પણ ધોળકિયા, જીજ્ઞેશ ધોળકિયા, તુલસી દફ્તરી, અંજના વીંછી, ધારા ખંભાયતા, બ્રિજ પરમાર, નિતાંશુ પારેખ અને નિકિતા પટેલની રંગોળી પસંદગી પામી હતી.