આપણી SIPની આદત બેંકોની તિજોરી કેમ ખાલી કરી રહી છે?
મધ્યમવર્ગ પોતાની બચતના નાણાં ૭% ની ફિક્સ ડિપોઝિટ (FD) માંથી કાઢીને સીધા શેરબજારની SIP માં ઠાલવી રહ્યો છે, જેના કારણે બેંકો પાસે લોન આપવા માટે ભંડોળ જ નથી બચ્યું! રિટેલ રોકાણકારો માટે ઐતિહાસિક `વેલ્થ ક્રિએશન’ નો આ જાદુ ભવિષ્યમાં ભારતની બેન્કિગ સિસ્ટમ માટે કેવી રીતે સૌથી મોટી નાણાભીડ (Liquidity Crisis) નો ખતરો બની રહ્યો છે, તેનું આ રહ્યું એક કડવું ગ્રાઉન્ડ એનાલિસિસ એક જમાનો હતો જ્યારે પગાર આવે એટલે મધ્યમવર્ગીય માણસ સૌથી પહેલા બેંકમાં જઈને થોડી રકમ બચત ખાતામાં મૂકતો અથવા તો દીકરીના લગ્ન કે નિવૃત્તિ માટે એક `ફિક્સ ડિપોઝિટ’ (FD) કરાવી દેતો.
બેંકની પાસબુકમાં છપાતા વ્યાજના આંકડાઓ એ ભારતીય પરિવારો માટે સલામતીનું સૌથી મોટું કવચ હતું. પણ છેલ્લા ત્રણ વર્ષમાં આખી માનસિક તા ધરમૂ થી બદલાઈ ગઈ છે. આજે પગાર આવતાની સાથે જ બેંક ખાતામાંથી પહેલો હપ્તો મ્યુચ્યુઅલ ફંડની SIP (Systematic Investment Plan)) માં ઓટોડેબિટ થઈ જાય છે. ઉપરછલ્લી રીતે જોઈએ તો આ બહુ સારી બાબત લાગે છે. ભારતીય યુવાનો અને મધ્યમવર્ગ હવે ફાઇનાન્શિયલ લિટરસી (નાણાકીય સાક્ષરતા) તરફ વળ્યા છે અને શેરબજારમાંથી સીધો નફો કમાઈ રહ્યા છે. પણ એક સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. આપણે સૌ આપણા પોર્ટફોલિયોનો લીલો રંગ જોઈને ખુશ છીએ, પણ આપણી આ સ્માર્ટનેસના કારણે દેશની બેન્કિગ સિસ્ટમના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નરે વારંવાર લાલબત્તી ધરી છે કે બેંકોમાં હવે ડીપોઝીટ આવતી બંધ થઈ ગઈ છે. અર્થતંત્રમાં આ એક એવો સાયલન્ટ ભૂકંપ છે, જેની સીધી અસર ભવિષ્યમાં તમારા ઘરના ઊખઈં અને દેશના ઔદ્યોગિક વિકાસ પર પડવાની છે.
આ પણ વાંચો: મોંઘવારી કાળઝાળ, રસોઈ બનાવવાનું મોંઘુ થયું
૧. FD માં ઘટાડો અને SIP નો વિસ્ફોટ:
આંકડાઓની માયાજાળ શા માટે લોકોએ બેંકોથી મોં ફેરવી લીધું છે? કારણ બહુ સીધું છે: ફુગાવો (Inflation) અને ટેક્સ. જો તમે બેંકમાં FD કરાવો છો, તો તમને માંડ ૭% વ્યાજ મળે છે. તેમાં પણ જો તમે ટેક્સ બ્રેકેટમાં આવતા હોવ, તો ૩૦% ટેક્સ કપાઈને તમારા હાથમાં માંડ ૫% જ વળતર આવે છે. જ્યારે બીજી તરફ દેશમાં મોંઘવારીનો દર ૬% ની આસપાસ છે. એટલે કે, બેંકમાં મૂકેલા પૈસા વાસ્તવમાં વધવાને બદલે ઘટી રહ્યા છે! આ ગણિત હવે સામાન્ય માણસ સમજી ગયો છે. સામે પક્ષે, કોવિડ પછી શેરબજારે એવો જાદુ બતાવ્યો છે કે લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં ૧૫% થી ૨૫% સુધીનું રિટર્ન દેખાઈ રહ્યું છે. `મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ’ ની જાહેરાતોએ એવો કમાલ કર્યો છે કે આજે દેશમાં દર મહિને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ માત્ર SIP દ્વારા શેરબજારમાં ઠલવાઈ રહી છે. બેંકમાં પડી રહેલા લાખો-કરોડો રૂપિયા રાતોરાત દલાલ સ્ટ્રીટ તરફ ડાયવર્ટ થઈ ગયા છે.
૨. બેંકોનું બિઝનેસ મોડેલ અને અદ્રશ્ય થતી `કેશ’
હવે આ આખી સિસ્ટમની ડાર્ક સાઈડ સમજીએ. બેંક કેવી રીતે કમાય છે? બેંક એક વચેટિયો છે. તે તમારી અને મારી પાસેથી ૬-૭% વ્યાજે FD કે સેવિગ્સ એકાઉન્ટમાં પૈસા લે છે (જેને Deposit કહેવાય), અને એ જ પૈસા ઉદ્યોગપતિઓને કે સામાન્ય માણસને હોમ લોન તરીકે ૯-૧૦% ના વ્યાજે આપે છે. જેને Credit કહેવાય) આ બંને વકચચેનો તફાવત એ બેન્કનો નફો નક્કી કરે છે. પણ જ્યારે ડિપોઝીટ જ નહીં આવે તો બેન્ક લોન ક્યાંથી આપશે? તાજેતરના આંકડાદર્શાવે છે કે બેંકોનો `ક્રેડિટ ગ્રોથ’ (લોન લેનારા લોકોની સંખ્યા) ૧૫ થી ૧૬ ટકાના દરે વધી રહ્યો છે. દરેકને નવું ઘર લેવું છે, નવી કાર લેવી છે અને ઉદ્યોગોને ફેક્ટરીઓ નાખવી છે. પણ સામે બેંકોનો `ડિપોઝીટ ગ્રોથ’ માંડ ૧૦ થી ૧૧ ટકા જ છે. એટલે કે, લોન માંગવા વાળાની લાઈન લાંબી છે, પણ બેંકની તિજોરીમાં આપવા માટે પૂરતા પૈસા જ નથી. આરબીઆઈ આ પરિસ્થિતિને ‘ અસેટલાયબિલિટી મિસમેચ’ કહી રહી છે, જે કોઈ પણ દેશના અર્થતંત્ર માટે અત્યંત ખતરનાક સ્થિતિ છે.
૩. સીધી અસર તમારા ખિસ્સા પર: લોન કેમ મોંઘી થશે?
તમને થશે કે બેંકો પાસે પૈસા ન હોય તો મારે શું? પણ આની સીધી અસર તમારા રોજિદા જીવન પર પડશે. જ્યારે બેંકો પાસે પૂરતી ડિપોઝીટ નથી હોતી, ત્યારે બજારમાંથી પૈસા ઊભા કરવા માટે બેંકો વચ્ચે ગળાકાપ હરીફાઈ શરૂ થાય છે. ગ્રાહકોને આકર્ષવા માટે બેંકોએ FDના વ્યાજદરો વધારવા પડે છે. જો બેંક તમને FD પર ૮% કે ૮.૫% વ્યાજ આપશે, તો તેને પોતાનો નફો જાળવી રાખવા માટે લોનના વ્યાજદરો પણ વધારવા જ પડશે.
પરિણામે, ભવિષ્યમાં હોમ લોન, કાર લોન કે એજ્યુકેશન લોનના વ્યાજદરો (EMI) મોંઘા થશે. જો સામાન્ય માણસ માટે ઘર લેવું મોંઘુ થશે, તો રિયલ એસ્ટેટ સેક્ટર ધીમું પડશે. જો ઉદ્યોગપતિને ફેક્ટરી માટે સસ્તી લોન નહીં મળે, તો તે નવો બિઝનેસ નહીં નાખે, જેનાથી નવી રોજગારી ઊભી થતી અટકી જશે. આમ, દલાલ સ્ટ્રીટ પર રમાઈ રહેલો આ ખેલ ધીમે ધીમે ગ્રાઉન્ડ લેવલના અર્થતંત્રના પૈડાં ધીમા પાડી દેશે.
૪. `બુલ રન’ નો પરપોટો અને સિસ્ટમિક રિસ્ક
અત્યારે રોકાણકારો એટલા માટે આંધળા થઈને શેરબજારમાં પૈસા નાખી રહ્યા છે કારણ કે બજાર સતત ઉપર જઈ રહ્યું છે. એક આખી નવી પેઢી (Gen Z) બજારમાં પ્રવેશી છે, જેણે ક્યારેય ખરાબ મંદી કે `માર્કેટ ક્રેશ’ જોયું જ નથી. જ્યારે પણ ભવિષ્યમાં વૈશ્વિક પરિબળોને કારણે શેરબજાર તૂટશે અને મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન નેગેટિવ દેખાવા લાગશે, ત્યારે આ રિટેલ રોકાણકારો ગભરાઈને એકસાથે પૈસા પાછા ખેંચવા (Redemption) દોડશે. તે સમયે જો તેમની પાસે બેંકમાં કોઈ `સેફ’ બચત (જેમ કે FD) નહીં હોય, તો એક બહુ મોટું સામાજિક અને આર્થિક સંકટ ઊભું થશે. બેંકોની FD ભલે રિટર્ન ઓછું આપે છે, પણ તે બજારના કોઈ પણ ભૂકંપ સામે તમને ૦% રિસ્ક ગેરંટી આપે છે, જે શેરબજાર ક્યારેય આપી શકતું નથી.
દેશને શેરબજાર અને બેંક, બંનેની જરૂર છે!
કોઈ પણ દેશ માત્ર શેરબજારના જોરે આર્થિક મહાસત્તા ન બની શકે. શેરબજાર સંપત્તિનું સર્જન (Wealth Creation) કરે છે, પણ જમીન પર ફેક્ટરીઓ અને રસ્તાઓ બનાવવા માટે બેંકોની મજબૂત સિસ્ટમ જ કામ આવે છે. રોકાણકારે અત્યારે પોતાની જાતને પૂછવાનો સમય આવી ગયો છે કે શું તેઓ પોતાના પોર્ટફોલિયોમાં સંતુલન જાળવી રહ્યા છે? કમાણીનો અમુક હિસ્સો રિસ્ક લઈને ઇક્વિટી (શેરબજાર) માં નાખવો બિલકુલ યોગ્ય છે, પણ સંપૂર્ણપણે બેન્કિગ સિસ્ટમનો બહિષ્કાર કરવો એ સરવાળે તો આપણા જ પગ પર કૂહાડો મારવા સમાન છે. જો બેંકો પાસે પૈસા નહીં હોય, તો ભારતનું ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવાનું સપનું માત્ર કાગળ પર જ રહી જશે
