નેપાળની હોનારત પાછળ છુપાયેલું પહાડોનું ભયાનક પરિવર્તન અને આપણો વિકાસનો અહંકાર
સદીઓથી આપણે હિમાલયને આધ્યાત્મિક અને રોમેન્ટિક નજરે જોતા આવ્યા છીએ. ઋષિમુનિઓની તપોભૂમિ, દેવોનો વાસ અને ગંગા-યમુના જેવી નદીઓનું ઉદ્ગમસ્થાન. દૂરથી જોતાં બરફથી ઢંકાયેલા આ પહાડો એકદમ શાંત, સ્થિર અને અવિચળ લાગે છે. પણ આ સ્થિરતા એ દુનિયાનો સૌથી મોટો ભ્રમ છે. તાજેતરમાં નેપાળમાં આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલને હજારો લોકોની જિંદગીને કાદવમાં રોળી નાખી, તે માત્ર કોઈ ખરાબ ચોમાસાનું પરિણામ નથી. આ હોનારત આખા ભારતીય ઉપખંડ માટે એક વાગતી ખતરાની ઘંટી છે કે હિમાલય હવે પહેલા જેવો રહ્યો નથી. તેની અંદર કેટલાક એવા ભયાનક ભૌગોલિક અને પર્યાવરણીય ફેરફારો થઈ રહ્યા છે, જેનો જો સમયસર અંદાજ નહિ આવે તો આવનારા દાયકાઓમાં નકશા પરથી આખા ને આખા શહેરો ભૂંસાઈ જશે.
જ્યારે આપણે પહાડોમાં રસ્તા કે ટનલ બનાવીએ છીએ, ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે હિમાલય એ યુરોપના આલ્પ્સ પર્વતો જેવો નથી. આલ્પ્સના પહાડો ગ્રેનાઇટના બનેલા અત્યંત નક્કર અને હજારો વર્ષોથી સ્થિર થયેલા પથ્થરોના બનેલા છે. ત્યાં તમે મશીનોથી કોતરણી કરો તો પહાડ તૂટી નથી પડતો. તેની સરખામણીમાં હિમાલય એ દુનિયાનો સૌથી યુવાન પર્વત છે. હિનાલય આજે પણ ટેક્ટોનિક પ્લેટ્સ (ઇન્ડિયન અને યુરેશિયન પ્લેટ) ની અથડામણને કારણે દર વર્ષે ૫ મિલીમીટર જેટલો ઊંચો થઈ રહ્યો છે! આ કોઈ નક્કર ખડક નથી, પણ માટી, રેતી અને કાટમાળનો બનેલો એક વિશાળ કદનો અસ્થિર ઢગલો કહી શકાય.
આવા અત્યંત નાજુક અને શ્વાસ લેતા પહાડની છાતીમાં જ્યારે વિકાસના નામે ડાયનામાઈટ ફોડીને હાઈવે બનાવવામાં આવે, હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ્સ માટે ટનલો ખોદવામાં આવે, ત્યારે તેની આંતરિક નસો તૂટી જાય છે. પહાડની પકડ ઢીલી પડે છે. અને પછી જ્યારે ચોમાસામાં ધોધમાર વરસાદ પડે, ત્યારે એ નબળો પડેલો કાટમાળ સીધો નીચે ખાબકે છે. નેપાળ કે ઉત્તરાખંડમાં આજે લોકો માત્ર પાણીમાં નથી ડૂબી રહ્યા, તેઓ પહાડોએ ઓકેલા આ કાદવ અને પથ્થરોના કાટમાળ નીચે જીવતા દટાઈ રહ્યા છે. આપણે પ્રકૃતિની એન્જિનિયરિંગ સામે આપણી સિમેન્ટ-કોંક્રિટની એન્જિનિયરિંગની જીદ પકડીને બેઠા છીએ, જે એક રીતે જોઈએ તો સ્વ-વિનાશ છે.
આ પણ વાંચો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વત્તા મનુષ્યની કુદરતી બુદ્ધિમત્તા
આ ભૌગોલિક કચાશની સાથે એક બીજું અદ્રશ્ય અને અજાણ્યું કારણ છે—બ્લેક કાર્બન. આપણને લાગે છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે જ માત્ર બરફ ઓગળી રહ્યો છે, પણ વાર્તા એનાથી થોડી વધુ ડાર્ક છે. જ્યારે લાખો પ્રવાસીઓ પોતાની ડીઝલ એસયુવી (SUV) કાર્સ લઈને પહાડોમાં જાય છે, જ્યારે તળેટીમાં ઈંટોના ભઠ્ઠા ધમધમે છે, ત્યારે તેમાંથી નીકળતો કાળો ધુમાડો (સૂટ) હવામાં ઊડીને સીધો હિમાલયના શિખરો પર પહોંચે છે. આ કાળો પાવડર શુદ્ધ સફેદ બરફ પર એક અદ્રશ્ય પડ બનાવી દે છે. વિજ્ઞાનનો નિયમ છે કે સફેદ રંગ સૂર્યની ગરમીને પાછી ફેંકે છે (રિફ્લેક્ટ કરે છે), જ્યારે કાળો રંગ ગરમીને શોષી લે છે. આ બ્લેક કાર્બનને કારણે હિમાલયના ગ્લેશિયર્સ (હિમનદીઓ) સામાન્ય કરતા ત્રણ ગણી વધુ ઝડપથી ઓગળી રહ્યા છે! પ્રવાસીઓનો અહંકાર અને મનોરંજન પહાડોની જિંદગી ટૂંકાવી રહ્યા છે.
આ ઝડપથી ઓગળતા બરફનું પરિણામ એ આવે છે કે પહાડોની ઊંચાઈ પર પાણીના વિશાળ સરોવરો બની જાય છે, જેને ગ્લેશિયલ લેક કહેવાય છે. આ સરોવરો કોઈ મજબૂત સિમેન્ટની દીવાલથી નથી રોકાયેલા હોતા, પણ માત્ર માટી અને છૂટા પથ્થરોની પાળ (Moraine) થી ટકેલા હોય છે. જ્યારે બરફ વધુ ઓગળે અથવા નાનો અમથો ભૂકંપ આવે, ત્યારે આ પાળ તૂટે છે. આને GLOF (Glacial Lake Outburst Flood) કહેવાય છે. આકાશમાં ફાટેલા આ જળ-બોમ્બમાંથી લાખો ગેલન પાણી ગણતરીની સેકન્ડોમાં સુનામી બનીને નીચે ખીણમાં ધસી આવે છે. તેને રોકવાની તાકાત દુનિયાના કોઈ ડેમ કે કોઈ ટેકનોલોજીમાં નથી. નેપાળ અને સિક્કિમમાં હાલમાં થયેલી હોનારતો આ જ આકાશી સુનામીનું પરિણામ છે.
આપણે એક રાષ્ટ્ર અને સમાજ તરીકે એ સ્વીકારતા ડરીએ છીએ કે હિમાલય હવે પીડાઈ રહ્યો છે. આપણે ત્યાંના ઇકો-સેન્સિટિવ ઝોનને બદલીને તેને પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મશીન બનાવી દીધું છે. જ્યારે એક મર્યાદા કરતા વધારે ભાર પહાડ પર લાદવામાં આવે, ત્યારે પ્રકૃતિ પોતાનું બેલેન્સ જાતે જ સેટ કરે છે. નેપાળની હોનારત આપણને એ જ પાઠ ભણાવે છે કે પહાડોને આપણા બચાવની કે આપણા વિકાસની કોઈ જ જરૂર નથી. હિમાલય તો લાખો વર્ષોથી અહીં જ ઊભો છે અને રહેશે. જો આ અંધાધૂંધ પર્યાવરણીય છેડછાડ નહીં અટકે, તો પહાડોની કરવટ બદલવાની પ્રક્રિયામાં માનવ વસાહતોનું નામોનિશાન ભૂંસાઈ જશે. કુદરત ક્યારેય બદલો નથી લેતી, તે માત્ર પોતાનું સંતુલન જાળવે છે; અને કમનસીબે, એ સંતુલનની પ્રક્રિયામાં માણસની કોઈ જ કિંમત હોતી નથી.
- અભિમન્યુ મોદી
