સુપ્રીમ કોર્ટના જજની રાજસ્થાન હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસને હટાવવાની અપીલ
જસ્ટિસ એસ.પી. શર્મા સામે સત્તાના દુરુપયોગ, પક્ષપાત અને કેસોની ફાળવણીમાં ગેરરીતિના આક્ષેપ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ મહેતાએ રાજસ્થાન હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ પ્રકાશ શર્મા સામે ગંભીર આક્ષેપો કરી તેમને એ પદ ઉપર હટાવવાની માંગણી સાથે મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને ત્રણ અલગ-અલગ પત્ર લખતાં ન્યાયતંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે જસ્ટિસ શર્મા વહીવટી સત્તાઓનો દુરુપયોગ કરી રહ્યા હોવાના, પ્રભાવશાળી પક્ષકારોને લાભ પહોંચાડવા માટે કેસોની ફાળવણીમાં હસ્તક્ષેપ કરી રહ્યા હોવાના અને હાઈકોર્ટના વહીવટમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
જસ્ટિસ મહેતાના જણાવ્યા મુજબ કેટલીક મહત્વપૂર્ણ અરજીઓ અન્ય બેન્ચોમાંથી હટાવીને કોઈ વાજબી કારણ વગર જસ્ટિસ શર્માની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ મુકવામાં આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે કેટલાક કેસોમાં રજિસ્ટ્રી સ્તરે ગેરરીતિ કરીને કેસોની નોંધણી અને લિસ્ટિંગ કરાઈ હતી, જેના કારણે પ્રભાવશાળી પક્ષકારોને રાહત મળી.
પત્રોમાં જસ્ટિસ મહેતાએ ભ્રષ્ટાચાર, ભાઈ-ભતિજાવાદ અને પક્ષપાતના આક્ષેપો પણ કર્યા છે. તેમણે કેટલાક ન્યાયાધીશો દ્વારા જસ્ટિસ શર્માના વર્તન અંગે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. ઉપરાંત હાઈકોર્ટના વહીવટી નિર્ણયો, જિલ્લા ન્યાયતંત્ર સાથેના વ્યવહાર અને જજોની બદલી અંગે ધમકીભર્યા વલણની પણ ફરિયાદ કરી છે.
જસ્ટિસ મહેતાએ આવી સ્થિતિ ન્યાયતંત્રની વિશ્વસનીયતા માટે નુકસાનકારક હોવાની ચેતવણી આપી રાજસ્થાન હાઈકોર્ટમાં અન્ય રાજ્યના મુખ્ય ન્યાયાધીશની તાત્કાલિક નિમણૂક કરી જસ્ટિસ શર્માની બદલી કરવાની તેમણે કોલેજિયમને અપીલ કરી છે.
આ પણ વાંચો: Gen Zએ સંદેશ આપ્યો છે કે ભારતમાં લોકશાહીને હરગીઝ મરવા નહીં દઈએ
જસ્ટિસ મહેતાએ ટાંકેલા મુખ્ય દાખલાઓ
જસ્ટિસ મહેતાએ ઉદયપુરની કિંમતી જમીનો સંબંધિત અપીલોને જોધપુરમાંથી જયપુર ખાતે જસ્ટિસ શર્માની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ ખસેડવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે વધુમાં, એક ખનન ઉદ્યોગપતિના કેસમાં રજિસ્ટ્રી સ્તરે ગેરરીતિ કરીને અરજીની નોંધણી કરાઈ અને 457 દિવસના વિલંબને પ્રથમ જ દિવસે માફ કરી રાહત અપાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
પત્રોમાં જોધપુર મેટ્રો કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન લાંબા સમય સુધી અટકાવી રાખવાના નિર્ણય, જયપુરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનને કારણે કોર્ટોના કામકાજ પર પડેલી અસર તથા એક જ બેઠકમાં મોટી સંખ્યામાં વકીલોને સિનિયર એડવોકેટ તરીકે નિયુક્ત કરવાની દરખાસ્ત લાવવાના મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોણ છે બંને ન્યાયાધીશો?
જસ્ટિસ સંદીપ મહેતા
મે 2011માં રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા
ફેબ્રુઆરી 2023માં ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા
નવેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત થયા
મૂળ રાજસ્થાન હાઈકોર્ટમાંથી ઉન્નતિ પામેલા ન્યાયાધીશ
જસ્ટિસ સંજીવ પ્રકાશ શર્મા
નવેમ્બર 2016માં રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત
બાદમાં પટણા તથા પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં સેવા આપી
મે 2025માં ફરી રાજસ્થાન હાઈકોર્ટમાં પરત ફર્યા
મુખ્ય ન્યાયાધીશ નિવૃત્ત થયા બાદ છેલ્લા લગભગ 10 મહિનાથી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે
