Gen Zએ સંદેશ આપ્યો છે કે ભારતમાં લોકશાહીને હરગીઝ મરવા નહીં દઈએ
કહ્યું, “દિમાગી નક્સલ કહેવાથી ડરાવી શકશે નહી, યુવાનોની બંધારણીય જાગૃતિ લોકશાહી માટે શુભ સંકેત”
એક તરફ જંતર-મંતર ખાતે થયેલા Gen Z ના આંદોલનને બદનામ કરવાના ભરપૂર સુનિયોજિત પ્રચાર અને પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે એ જ આંદોલનને સમાજના અનેક વગદાર વર્ગનું સમર્થન પણ મળવા લાગ્યું છે અને તેમાં ટોચના કાનૂની નિષ્ણાતો તેમજ પૂર્વ ન્યાયાધીશો પણ સામેલ છે. દિલ્હી હાઇકોર્ટ અને ઓડિશા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ તથા વરિષ્ઠ વકીલ એસ. મુરલીધરે તાજેતરના Gen Z આંદોલનને લોકશાહી માટે આશાજનક ગણાવતા કહ્યું છે કે આ યુવા પેઢી સાબિત કરી રહી છે કે ભારતમાં લોકશાહીને હરગીઝ મરવા દેવામાં આવશે નહીં અને દેશના ભવિષ્યના રક્ષણ માટે લોકો બંધારણનો માર્ગ જ અપનાવશે.
‘માય વિઝન ઓફ ઇન્ડિયા’ વિષય પર યોજાયેલા 28મા ડી.એસ. બોરકર સ્મારક વ્યાખ્યાનમાં બોલતાં મુરલીધરે જુલાઈના ત્રીજા સપ્તાહ દરમિયાન થયેલા વિદ્યાર્થી આંદોલનોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે યુવાનો સત્તાધીશોને પ્રશ્ન પૂછવાની હિંમત ધરાવે છે અને દેશના ભવિષ્યની સુરક્ષા માટે બંધારણીય મૂલ્યો તરફ વળી રહ્યા છે અને આ જ લોકશાહીની સૌથી મોટી તાકાત છે.
મુરલીધરે જણાવ્યું હતું કે આંદોલનકારીઓને “દિમાગી નક્સલ” જેવા લેબલ લગાવીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, છતાં યુવાનો તેના કારણે વિચલિત થયા નથી. તેમણે Gen Z પેઢીની સત્તાને પ્રશ્ન કરવાની ક્ષમતા, સત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તેમની સ્વાભાવિક રમૂજી શૈલીની પણ પ્રશંસા કરી હતી. તેમના શબ્દોમાં, યુવાનોમાં દેખાતી આ નિર્ભીકતા અને નિઃસંકોચ વૃત્તિ લોકશાહી પરિપક્વતાનું સ્પષ્ટ લક્ષણ છે.
તેમણે ન્યાયતંત્રમાં થતા વિલંબ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને મહત્વના બંધારણીય પ્રશ્નોના નિરાકરણમાં વર્ષો સુધી લાગતો સમય લોકશાહી માટે હિતાવહ ન હોવાનું જણાવ્યું હતું.
નવી પેઢીને પ્રચાર દ્વારા ભરમાવી શકાશે નહીં
મુરલીધરે કહ્યું કે આજની નવી પેઢી પરંપરાગત રાજકીય પ્રચાર અને પ્રોપેગેન્ડાથી સહેલાઈથી પ્રભાવિત થતી નથી. સોશિયલ મીડિયા અને માહિતીના વિવિધ સ્ત્રોતોના કારણે યુવાનો દરેક મુદ્દાને અલગ-અલગ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરે છે. તેમના મતે Gen Z પેઢીની સૌથી મોટી શક્તિ એ છે કે તે સત્તાને પ્રશ્ન પૂછવામાં સંકોચ અનુભવતી નથી અને કોઈપણ દાવાને આંખ મીંચીને સ્વીકારતી નથી. તેથી માત્ર પ્રચારના આધારે આ પેઢીને લાંબા સમય સુધી ભરમાવી રાખવી હવે શક્ય નથી.
સરકારની ટીકા બદલ સજા માટે કાયદાનો દુરુપયોગ નીંદનીય
પૂર્વ મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટપણે જણાવ્યું કે સરકારની પ્રામાણિક ટીકા, વ્યંગચિત્રો, કાર્ટૂન અથવા સ્ટેન્ડ-અપ કોમેડિયનના જોક્સને ગુનાની શ્રેણીમાં મૂકવા માટે કાયદાનો ઉપયોગ થવો જોઈએ નહીં. તેમણે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે ફોજદારી કાયદાઓના ઉપયોગની પણ ટીકા કરી હતી. મુરલીધરના મતે લોકશાહી દેશમાં અસહમતિ અને ટીકા માટે જગ્યા હોવી જરૂરી છે. તેમણે અટકાયતી કાયદાઓ તથા યુએપીએ અને પીએમએલએ જેવા કડક કાયદાઓની કેટલીક જોગવાઈઓની પણ સમીક્ષા કરવાની જરૂરિયાત દર્શાવી હતી, જેથી નાગરિક સ્વતંત્રતા અને બંધારણીય અધિકારો વધુ મજબૂત બની શકે.
