બંગાળમાં ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસની બંદૂક છીનવી ભાગવાનો પ્રયાસ કરતાં આરોપીને પોલીસે ઢાળી દીધો
કોલકાતાના બારુઇપુર વિસ્તારમાં 11 વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યા કેસના મુખ્ય આરોપી પ્રભાષ મોંડલનું બુધવારે મધરાત્રે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. પોલીસ ઘટનાસ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન માટે તેને લઈ ગઈ હતી ત્યારે તેણે પોલીસકર્મીની બંદૂક છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળીબાર કરતાં તેનું મૃત્યુ થયું હતું.
દુષ્કર્મ અને હત્યાની આ ઘટનાએ બંગાળને હચમચાવી નાખ્યું હતું.બનાવ બાદ ભારે તોફાનો થયા હતા જેમાં અનેક પોલીસ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.એક કથિત આરોપીને ટોળાએ મારી નાખતાં મામલો વધી ગંભીર બની ગયો હતો.
બંગાળમાં મમતા ના શાસન દરમિયાન મહિલાઓ અસલામત હોવાનો આક્ષેપ કરનાર ભાજપના પોતાના શાસનમાં આવી ઘટના બનતા સુવેન્દુ સરકાર સામે મોટો પડકાર સર્જાયો હતો.આ મુદે રાજકારણ ગરમાયા બાદ પોલીસ એકશનમાં આવી ગઈ હતી.
આ પણ વાંચો: સ્પેસ-રેસ ભૂલી જાઓ, હવે ભવિષ્યનું આર્થિક યુદ્ધ ‘ડીપ-સી માઇનિંગ’ માટે લડાશે!
આ કેસમાં આનંદ સરદાર અને દિબાકર સરદાર સહિત ત્રણ આરોપીઓ અગાઉ જ ઝડપાઈ ચૂક્યા હતા, જ્યારે ચોથા આરોપી કબીર મોલ્લાહની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકીને એકાંત સ્થળે બોલાવી સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ ગૂણામાં ભરી તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ મુજબ બાળકીને તળાવમાં ફેંકવામાં આવી ત્યારે તે જીવતી હતી.
મોબ લિન્ચિંગ કેસમાં 20 લોકોની ધરપકડ
બાળકીનો મૃતદેહ મળી આવ્યા બાદ બારુઇપુર વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન ટોળાએ ઇન્દ્રજિત મોંડલ નામના નિર્દોષ વ્યક્તિને આરોપી સમજી માર મારી હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ હિંસા, તોડફોડ અને મોબ લિન્ચિંગની ઘટનામાં સંડોવણી બદલ અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુ આરોપીઓની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ ભોગ બનેલી બાળકી તેમ જ મોબ લિન્ચિંગમાં માર્યા ગયેલા શખ્સના પરિવારજનોની મુલાકાત લઈ ન્યાય અપાવવાની બાહેંધરી આપી હતી.
