ટૂંક સમયમાં બજારમાં એન્ટ્રી કરશે પ્લાસ્ટિકની ચલણી નોટો|
હવે ખિસ્સામાં કાગળની જ નહીં, પ્લાસ્ટિકની નોટ પણ જોવા મળશે! ડિજિટલ યુગમાં રોકડને વધુ ટકાઉ અને સ્વચ્છ બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. આગામી સમયમાં તમારા પાકીટમાં રહેલી નોટોનો સ્પર્શ થોડો બદલાવા જઈ રહ્યો છે. ભારતીય ચલણના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં હવે પરંપરાગત કાગળની નોટોની સાથેસાથે આધુનિક પ્લાસ્ટિક એટલે કે પોલિમરની નોટો પણ ચલણમાં જોવા મળશે. સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ને ₹10 અને ₹20 ના મૂલ્યની ૧-૧ અબજ પ્લાસ્ટિક નોટોના ફિલ્ડ ટ્રાયલ (ક્ષેત્રીય પરીક્ષણ) માટે મંજૂરી આપી દીધી છે.
પ્લાસ્ટિક નોટોના ટ્રાયલ અને સરકારની નીતિ વિશેની મુખ્ય વિગતો:
2 અબજ પોલિમર નોટનો મેગા ટ્રાયલ
નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં લેખિત જવાબમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે RBIએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934 ની કલમ 25 હેઠળ પ્રસ્તાવ મોકલ્યો હતો, જેમાં ₹10 ની 1 અબજ અને ₹20 ની 1 અબજ પોલિમર નોટ ફિલ્ડ ટ્રાયલ માટે જારી કરવાની માંગ કરવામાં આવી હતી. સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભારતના વિવિધ રાજ્યો અને આબોહવામાં આ નોટોની મજબૂતાઈ, ટકાઉપણું, ઉપયોગમાં સરળતા અને લોકો દ્વારા સ્વીકૃતિ ચકાસવામાં આવશે. જો ટ્રાયલના પરિણામો સંતોષકારક રહેશે તો RBI ભવિષ્યમાં આ બંને મૂલ્યની પોલિમર નોટ નિયમિતપણે જારી કરશે.
નોટો બંધ નહીં થાય, બંને સાથે ચલણમાં રહેશે
સૌથી મહત્વની વાત એ છે કે આનો અર્થ કાગળની નોટોનો અંત નથી. નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પોલિમર નોટો કાગળની નોટો સાથે જ ચલણમાં ફરશે. કાગળની ચલણી નોટોને ધીમે ધીમે બંધ કરવાનો કે બદલવાનો હાલ કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.
પ્લાસ્ટિકની નોટો પાણી, ગંદકી અને ફાટવાથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે અને તેની આયુષ્ય પણ કાગળની નોટો કરતા વધારે હોય છે. તેથી આ ટ્રાયલ સફળ થાય તો ભારતની રોકડ વ્યવસ્થા વધુ આધુનિક બનવાની દિશામાં એક મોટું પગલું ગણાશે.
