ફૂડ પેકેટ પર સુગર, સોલ્ટ અને ફેટની ચેતવણી લેબલ ફરજિયાત બનાવો
લોકોના આરોગ્યને નજરમાં રાખીને હવે આ પ્રક્રિયા કરાવવામાં વિલંબ સહન નહીં થાય
સુપ્રીમ કોર્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ અથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ને સખત ફટકાર લગાવી છે. બજારમાં વેચાતા ફૂડના પેકેટ પર સુગર સોલ્ટ સહિતની સામગ્રી કેટલી માત્રામાં છે તેવી ચેતવણી આપતા લેબલ હજુ લાગ્યા નથી. કોર્ટે પૂછ્યું કે શું તમે લોકોને, ખાસ કરીને વિકસતા બાળકોને સ્વસ્થ રાખવા માંગતા નથી? અને શું તમે ફૂડ ઉદ્યોગના દબાણને વશ થઈને આ મહત્વના પગલાને વિલંબિત કરી રહ્યા છો?
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે “ અવર હેલ્થ સોસાયટી” દ્વારા દાખલ કરેલી જનહિત યાચિકાની સુનાવણી કરી હતી. આ યાચિકામાં પેકેજ્ડ ફૂડ પર ફ્રન્ટ-ઓફ-પેક વોર્નિંગ લેબલ્સ ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી છે. આ લેબલ્સમાં સુગર (ખાંડ), સોલ્ટ (મીઠું) અને સેચ્યુરેટેડ ફેટ (સંતૃપ્ત ચરબી)ની ઊંચી માત્રા વિશે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે.
કોર્ટે FSSAIની વલણ પર અસંતોષ વ્યક્ત કરતા કહ્યું, હતું કે
શું તમે કોર્ટને મૂર્ખ બનાવી રહ્યા છો? શું તમે કોર્પોરેટ લોબીના દબાણ અને વશ થઈને આ કામમાં વિલંબ કરી રહ્યા છો? જો તમારાથી ન થઈ શકે તો અમારે આ કામ કરવું પડશે?
આ પણ વાંચો: ટ્રેનોના દુર્ગંધયુક્ત ટોયલેટથી 40%થી વધુ યાત્રીઓ હેરાન
કોર્ટે વધુમાં પૂછ્યું કે, ઉત્પાદકોના વ્યાપારી હિતો આ નિર્ણયમાં નિર્ણાયક ભૂમિકા નિભાવી શકતા નથી. આ મુદ્દો નાગરિકોના સ્વાસ્થ્ય અધિકાર સાથે સંબંધિત છે.
આ મામલો લાંબા સમયથી ચાલી રહ્યો છે. 2024માં PIL દાખલ થયા બાદ એપ્રિલ 2025માં કોર્ટે FSSAIની એક્સપર્ટ કમિટીને ત્રણ મહિનામાં રિપોર્ટ સબમિટ કરવા કહ્યું હતું. ત્યારબાદ વારંવાર વિલંબ થતા ફેબ્રુઆરી 2026માં કોર્ટે ફરીથી અસંતોષ વ્યક્ત કર્યો અને વોર્નિંગ લેબલ્સ પર વિચાર કરવા કહ્યું.
FSSAIએ તાજેતરમાં કોર્ટમાં અફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે તે વોર્નિંગ સિમ્બલ્સને બદલે પોષણ માહિતીનું ટેબલ મૂકવા માંગે છે. જેમાં પ્રતિ 100 ગ્રામમાં એડેડ સુગર, સેચ્યુરેટેડ ફેટ અને સોલ્ટની માત્રા, સર્વિંગ સાઇઝ અને ICMRની ભલામણ મુજબ દૈનિક જરૂરિયાત દર્શાવવામાં આવશે.
કોર્ટ દ્વારા શું ચેતવણી અપાઈ છે, કેન્દ્ર સરકારને શું કહ્યું?
કેન્દ્ર સરકાર અને FSSAIને બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે કે તેઓ આ મુદ્દે અંતિમ નિર્ણય કોર્ટ સમક્ષ રજૂ કરે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ પોતાની રીતે નહીં કરે તો કોર્ટ પોતે આદેશ આપશે. આ બાબત ઘણા લાંબા સમયથી સૂચના આપી હોવા છતાં વણઉકેલ છે તે બાબતને લઈને સુપ્રીમ કોર્ટે ભારે નારાજી દર્શાવી હતી.
