ભાજપ ગરમ તો કંગના નરમ; માફી માંગી
ભાજપના લોકસભા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પોતાના નિવેદનને લઈને એક વખત ફરી ચર્ચામાં છે. કંગનાએ દેશના ખેડૂતો સંબંધિત નિવેદન આપ્યું હતું જેની સામે ખેડૂતો અને વિપક્ષ દ્વારા દેકારો કરાયો હતો અને અંતે કંગનાએ પોતાના શબ્દો પાછા ખેંચીને માફી માંગી છે. કંગનાએ 3 કૃષિ કાયદા પાછા લાવવાની વાત કરી હતી.
કંગનાએ પોતાના નિવેદનમાં એમ કહ્યું હતું કે કૃષિ કાયદા અંગે મારા સબ્દોથી કોઈને નિરાશા થઈ હોય તો હું દિલગીર છું. કંગનાએ હવે પછી ખૂબ જ ધ્યાનથી નિવેદન આપવાનો સંકલ્પ પણ લીધો છે.
ભાજપ સાંસદનું નિવેદન આવ્યા બાદ રાજકારણ ગરમાયુ છે. ભાજપે કંગનાના નિવેદન અંગે કહ્યું કે આ પાર્ટીનું નિવેદન નથી. જો કે હવે અલગ-અલગ પાર્ટીના નેતાઓ તરફથી નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.
નિવેદનબાજી પર જાતભાતના સવાલ ઉઠાવ્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ‘બિલકુલ, કૃષિ કાયદા પર મારા વિચાર અંગત છે અને તે બિલ પર પાર્ટીના વલણનું પ્રતિનિધિત્વ કરતાં નથી.’
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કંગના દ્વારા કૃષિ કાયદા પર આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હું એ સ્પષ્ટ કરવા માગું છું કે આ નિવેદન તેમનું અંગત નિવેદન છે. કંગના ભાજપ તરફથી આવું નિવેદન આપવા માટે અધિકૃત નથી અને આ કૃષિ બિલ પર આપવામાં આવેલું નિવેદન ભાજપની દ્રષ્ટિને દર્શાવતું નથી. અમે આ નિવેદનનો અસ્વીકાર કરીએ છીએ.’