ભારતીય રેલવે દ્વારા સ્વચ્છતા નિયમો વધુ કડક: પ્લેટફોર્મ કે ટ્રેનમાં કચરો ફેંકવા પર લાગશે મોટો આર્થિક દંડ
ભારતીય રેલવે દ્વારા જાહેર સ્થળો, સ્ટેશનો અને ટ્રેનોમાં સ્વચ્છતા જાળવી રાખવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયે ૨૦૧૨ના સ્વચ્છતા નિયમોમાં સંશોધન કરીને દંડની રકમ વધારી દીધી છે, જેથી મુસાફરોમાં ‘સિવિક સેન્સ’ વિકસે અને રેલવે પરિસરમાં ગંદકી અટકે.
નવા નિયમો અને વધેલા દંડની જોગવાઈ
રેલવે મંત્રાલય દ્વારા જારી કરાયેલા રાજપત્ર અધિસૂચના મુજબ, રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ કે ટ્રેનની અંદર ગમે ત્યાં કચરો ફેંકવા બદલ હવે રૂ. ૧,૦00 સુધીનો દંડ ફટકારવામાં આવશે. અગાઉ આ દંડની મહત્તમ મર્યાદા રૂ. ૫૦૦ હતી. જો કોઈ વ્યક્તિ સ્થળ પર દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો મામલો કોર્ટ સુધી જઈ શકે છે જ્યાં રૂ. ૨,૦૦૦ સુધીનો વધારાનો દંડ થઈ શકે છે.
પ્રતિબંધિત પ્રવૃત્તિઓ અને જવાબદારીઓ
સુધારેલા નિયમો અનુસાર રેલવે પરિસરમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ સખત રીતે પ્રતિબંધિત કરવામાં આવી છે:
રેલવે સ્ટેશન કે કોચની અંદર કચરો ફેંકવો અથવા થૂંકવું, પેશાબ કરવો કે શૌચ ક્રિયા કરવી.
રેલવે પરિસરમાં રસોઈ બનાવવી, નાહવું, ગાડી, વાસણ કે કપડાં ધોવાં.
મંજૂરી વિના ટ્રેનના કોચ કે રેલવેની સંપત્તિ પર પોસ્ટર લગાવવાં અથવા ચિત્ર દોરવાં.
અધિકૃત વેન્ડરો અને હોકરોએ સ્ટેશન પર પર્યાપ્ત ડસ્ટબિન ઉપલબ્ધ કરાવવાના રહેશે અને કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી પડશે.
દંડ વસૂલવાની સત્તા કોની પાસે રહેશે?
નિયમોનો ભંગ કરનાર પાસેથી પેનલ્ટી વસૂલવાનો અધિકાર સ્ટેશન માસ્ટર, સ્ટેશન મેનેજર, કોમર્શિયલ વિભાગના ટિકિટ કલેક્ટર (TC), ઓપરેટિંગ વિભાગના સમાન રેન્કના અધિકારી તેમજ રેલવે ઓથોરિટી દ્વારા અધિકૃત કરાયેલા અન્ય અધિકારીઓને આપવામાં આવ્યો છે.
રેલવે પ્રશાસન દ્વારા આર્થિક દંડ વધારીને સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે કે જાહેર જગ્યાઓ પર ગંદકી ફેલાવનારાઓ સામે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. જોકે, આ નિયમોની સફળતા માત્ર દંડ વસૂલવા પર નહીં, પરંતુ મુસાફરોમાં જાગૃતિ આવે તેના પર નિર્ભર છે.
