અમેરિકા-ઈરાન શાંતિ કરારથી ભારતને કેટલોક ફાયદો થશે?
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જ્યારે બે કટ્ટર દુશ્મનો શાંતિના કરાર પર હસ્તાક્ષર કરે છે, ત્યારે તેનો સૌથી મોટો જશ્ન યુદ્ધના મેદાનમાં નહીં, પણ શેરબજારો અને રિઝર્વ બેંકોની તિજોરીઓમાં મનાવવામાં આવે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાજેતરના પીસ ડીલે ગ્લોબલ માર્કેટમાં એક જબરદસ્ત રાહતનો શ્વાસ ફૂંક્યો છે.
આ શાંતિ કરારનું સૌથી મોટું કેન્દ્રબિંદુ કોઈ શહેર કે જમીનનો ટુકડો નથી, પણ સમુદ્રની એક અત્યંત સાંકડી પટ્ટી છે— સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) જેના વિષે આપણે સૌ જાણીએ છીએ તેમ અહીંથી દુનિયાનું ૩૦% ક્રૂડ ઓઈલ પસાર થાય છે, અને આ એ જ જળમાર્ગ છે જેણે ભારતને મહિનાઓ સુધી આર્થિક ગૂંગળામણમાં રાખ્યું હતું.
આખી ભૌગોલિક રમત સમજવા માટે તમારે મેપ (નકશા) પર નજર કરવી પડે. પર્શિયન ગલ્ફ (અખાત) અને ઓમાનના અખાતને જોડતી આ સમુદ્રી પટ્ટી અમુક જગ્યાએ માત્ર ૩૩ કિલોમીટર જેટલી જ સાંકડી છે. જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચરમસીમાએ હતું, ત્યારે ઈરાનની સૌથી મોટી ધમકી એ જ હતી કે “અમે હોર્મુઝની સામુદ્રધુની બ્લોક કરી દઈશું.” જો એમ થયું હોત, તો દુનિયાભરમાં તેલના ભાવ રાતોરાત ૧૫૦ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા હોત અને ૧૯૭૦ જેવી ભયાનક વૈશ્વિક આર્થિક મહામંદી આવી હોત. શાંતિ કરાર થવાથી આ સૌથી મોટો અને વિનાશક ખતરો ટળી ગયો છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સિક્યોર કરતા દુનિયાના અર્થતંત્રની જીવાદોરી ફરીથી ધબકતી થઈ છે.
આ શાંતિ કરારનો સૌથી મોટો આર્થિક લાભાર્થી (Beneficiary) ભારત છે. ભારત પોતાની કુલ જરૂરિયાતના ૮૫% ક્રૂડ ઓઈલની આયાત કરે છે, જેમાંથી ૬૦% થી વધુ તેલ આ જ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ થઈને ભારતના પશ્ચિમ કિનારે (ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરો પર) પહોંચે છે.
યુદ્ધના ડરથી છેલ્લા કેટલાક સમયથી ક્રૂડના ભાવ ઊંચા હતા અને ભારતીય રિઝર્વ બેંકે રૂપિયાને ગગડતો બચાવવા માટે અબજો ડોલર બજારમાં ઠાલવવા પડ્યા હતા. હવે શાંતિ કરાર થતાં જ ક્રૂડ ઓઈલના ભાવ ધીમે ધીમે નીચે આવીને સ્થિર થશે. અર્થશાસ્ત્રીઓના મતે, જો ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ ૧૦ ડોલરનો પણ ઘટાડો થાય, તો ભારતનું વાર્ષિક આયાત બિલ ૧૫ અબજ ડોલર (આશરે ૧.૨૫ લાખ કરોડ રૂપિયા) જેટલું ઘટી જાય છે!
ભૌગોલિક રાજકારણ (Geopolitics) માં ભારત માટે ઈરાનનું ‘ચાબહાર પોર્ટ’ એ ડ્રીમ પ્રોજેક્ટ છે. ભારત આ પોર્ટ દ્વારા પાકિસ્તાનને સંપૂર્ણપણે બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા (મધ્ય એશિયા) ના માર્કેટ સુધી પહોંચવા માંગે છે. પરંતુ, જ્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલતો હતો, ત્યાં સુધી અમેરિકાની નારાજગી અને આર્થિક પ્રતિબંધો (Sanctions) ના ડરથી ભારતીય કંપનીઓ ચાબહારમાં મોટું રોકાણ કરતા ખચકાતી હતી. હવે આ પીસ-ડીલને કારણે અમેરિકાના પ્રતિબંધો હળવા થશે.
પરંતુ, આમાંથી ભારતે એક મોટો બોધપાઠ પણ લેવાનો છે. આજે શાંતિ થઈ ગઈ એટલે આપણે હળવાશ અનુભવીએ છીએ, પણ આપણી એનર્જી સિક્યોરિટી હજુ પણ મિડલ-ઇસ્ટના એ ૩૩ કિલોમીટર સાંકડા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ના રસ્તા પર નિર્ભર છે! જ્યાં સુધી ભારત ગ્રીન એનર્જી (સોલાર, વિન્ડ, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ) અને અન્ય દેશોમાંથી ક્રૂડના સપ્લાયની વ્યવસ્થા નહીં કરે, ત્યાં સુધી ભવિષ્યમાં જ્યારે પણ ખાડી દેશોમાં કોઈ મિસાઈલ ફૂટશે, ત્યારે સૌથી પહેલો આંચકો ભારતના શેરબજાર અને સામાન્ય માણસના ખિસ્સાને જ લાગશે. શાંતિના આ સમયમાં ઉજવણીઓ કરવા કરતા, વિકલ્પો શોધવા માટે આ સમય વધુ વાપરવો જોઈએ!
