યુધ્ધ ભલે અટક્યું, રસોડાનું યુધ્ધ ભાવ વધારા સાથે યથાવત
ટમેટાં, ચોખા, ખાદ્ય તેલ, અન્ય અનાજ, ડુંગળીના ભાવમાં ઉછાળો
ખરાબ હવામાન, ઉત્પાદનનો અભાવ, રૂપિયાની નબળાઈએ બાજી બગાડી
અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુધ્ધ હાલ તુરત અટકી ગયું છે પણ દેશમાં સામાન્ય પરિવારોનો રસોડાનો સંઘર્ષ યથાવત રહ્યો છે અને હવે તેમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી ટમેટાં, ચોખા અને ખાવાના તેલના ભાવમાં વધારો નોંધાયો છે. ઓછી આવક ધરાવતા પરિવારોનું જીવન પડકારજનક બન્યું છે.
ખાદ્ય તેલ, ચોખા અને ટામેટાં ના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ ભૂ-રાજકીય તણાવ, આયાતનો ઊંચો ખર્ચ અને ખરાબ હવામાનને કારણે ઉત્પાદનનો અભાવ છે. સ્થાનિક અને જથ્થાબંધ ફુગાવામાં વધારો થવાથી સામાન્ય માણસના રસોડાના બજેટ પર ભારે અસર પડી છે. ખાદ્ય તેલની દરેક જાતમાં ભાવ વધીને પ્રતિ કિલો 11.38 થી 11.59 ટકા વાર્ષિક આધારે પહોંચ્યા છે. ટમેટાના ભાવમાં 22.31 ટકાનો વધારો થયો છે અને આ માસિક વધારો રહ્યો છે.
આ પણ વાંચો: દેશમાં બેરોજગારીનો દર વધીને 11 માસની ટોચે પહોંચ્યો
એ જ રીતે ડુંગળીનો ભાવ પણ વધીને કિલોના 27 થી 30 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જો કે બટેટાના ભાવમાં ખાસ વધારો થયો નથી. ચોખાના ભાવ પ્રતિ કિલો રૂપિયા 43.65 થયા છે. જે પાછલા વર્ષની તુલનામાં 4.13 ટકાનો વધારો થયો છે. દાળના ભાવમાં પણ સામાન્ય વધારો પાછલા ડોવસોમાં થઈ ગયો છે.
આ આવશ્યક વસ્તુઓની ઊંચી કિંમત અને તેમની પરિસ્થિતિનું મુખ્ય કારણ ભૂ-રાજકીય તણાવ, નબળો રૂપિયો અને આયાત ખર્ચમાં વધારો છે. જથ્થાબંધ અને છૂટક બજારમાં ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ભારત તેની તેલની જરૂરિયાતનો લગભગ 60% વિદેશથી આયાત કરે છે, જેના કારણે સ્થાનિક ભાવ પર સીધો આંતરરાષ્ટ્રીય દબાણ આવે છે. ઓછો પુરવઠો અને વધતી માંગને કારણે ચોખાના ભાવ ઊંચા રહ્યા છે. કમોસમી વરસાદ, ગરમીના મોજા અને મોસમી પાક ચક્રમાં ફેરફાર ટામેટાંના પુરવઠાને અસર કરે છે. પુરવઠાના આ અભાવને કારણે, ઉનાળાના મહિનાઓમાં ભાવ ઘણીવાર વધે છે.
